મુખ્ય સમાચાર
News of Saturday, 21st August 2021

અફઘાનિસ્તાનમાં તાલિબાની રાજ : ડ્રાયફ્રૂટની આયાત બંધ થતા સુકામેવાના ભાવ આસમાને

આયાત બંધ હોવાથી કાજુ, બદામ, અંજીર, દ્રાક્ષ સહિતના સૂકા મેવાના ભાવમાં 20થી 30 ટકાનો વધારો

અફઘાનિસ્તાનમાં તાલીબાન રાજ આવતા જ ભારતીય બજાર પર તેની અસર વર્તાવા લાગી છે. અત્યાર સુધી અફઘાનિસ્તાનથી આવતા સૂકા મેવાનો ભાવ આસમાને પહોંચી ગયો છે. અફઘાનિસ્તાનથી ડ્રાય ફ્રૂટ્સની આયાત હાલમાં બંધ હોવાથી કાજુ, બદામ, અંજીર, દ્રાક્ષ સહિતના સૂકા મેવાના ભાવમાં 20થી 30 ટકાનો વધારો થઈ ગયો છે. તહેવારો સમયે જ સૂકા મેવાના ભાવ ઊંચકાતા હવે બજારમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે.

વેપારીઓ કહી રહ્યા છે કે જો આ જ પ્રકારની સ્થિતિ રહેશે તો દિવાળી સુધીમાં ડ્રાયફ્રૂટ્સના ભાવમાં 50 ટકા જેટલો વધારો નોંધાશે. મહત્વનું છે કે- અફઘાનિસ્તાનથી અટારી સરહદ મારફતે સૂકા મેવાનો અંદાજે 2 હજાર 900 કરોડ રૂપિયાનો વેપાર થાય છે.  

 અફઘાનિસ્તાનમાંથી સૂકા મેવામાં બદામ, અંજીર, અખરોટ, કાજૂ, પિસ્તા, દાડમ, મુલેઠી, સફરજન, દ્રાક્ષ, હીંગ, કેસર, કિસમિસ, તજ સહિત અનેક વસ્તુઓની આયાત થાય છે. ઓગસ્ટ મહિનામાં અફઘાનિસ્તાનમાં પાક તૈયાર થઈ જાય છે અને ભારતમાં તેની આયાત શરૂ થાય છે. તેવા સમયે જ તાલિબાન રાજ આવતા હવે આયાત અટકી ગઈ છે.

હાલ અફઘાનિસ્તાનના સુકામેવાના ભાવ આસમાને પહોંચતા બજારમાં મંદીનો માહોલ છે. અને, લોકો પણ મોંઘા સુકા મેવા ખરીદવાથી દુર ભાગી રહ્યાં છે.

(2:12 pm IST)