મુખ્ય સમાચાર
News of Saturday, 21st August 2021

અદાણી ગ્રૂપને ફટકોઃ સેબીએ અદાણી વિલ્મરના આઈપીઓ પર લગાવી રોક

અદાણી વિલ્મર ૪૫૦૦ કરોડ રૂપિયાનો આઈપીઓ લાવવાનું હતું પણ હાલ આ યોજના પર બ્રેક લાગી ગઈ છે

નવી દિલ્હી, તા.૨૧: દિગ્ગજ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની આગેવાનવાળા અદાણી ગ્રૂપને મોટા ઝટકો લાગ્યો છે. દેશના માર્કેટ રેગ્યુલેટર સિકયોરિટીઝ એન્ડ એકસચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એટલે સેબીએ અદાણી ગ્રૂપની એક કંપની અદાણી વિલ્મરના આઈપીઓ પર રોક લગાવી દીધી છે. તમને જણાવી દઈએ કે અદાણી વિલ્મર એડિબલ આઈલ બ્રાન્ડ ફોર્ચ્યૂન બનાવે છે.

આ મામલાની જાણકારી રાખનાર એક વ્યકિતએ જણાવ્યું કે અદાણી ગ્રૂપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝ સામે ચાલી રહેલ ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટની તપાસના કારણે સેબીએ આ પગલું ભર્યું છે. અદાણી વિલ્મર ૪૫૦૦ કરોડ રૂપિયાનો આઈપીઓ લાવવાનું હતું પણ હાલ આ યોજના પર બ્રેક લાગી ગયો છે. અદાણી વિલ્મરમાં અદાણી એન્ટરપ્રાઇઝની ૫૦ ટકા ભાગીદારી છે.

સેબીની પોલિસી પ્રમાણે આઈપીઓ માટે અરજી કરનાર કંપની સામે કોઇ ડિપાર્ટમેન્ટમાં તપાસ ચાલી રહી હોય તો તેની સામે આઈપીઓને ૯૦ દિવસો સુધી મંજૂરી આપી શકાય નહીં. આ પછી પણ ૪૫ દિવસો માટે ટાળવામાં આવી શકે છે. આ મામલાની જાણકારી રાખનાર સૂત્રએ જણાવ્યું કે અદાણી એન્ટરપ્રાઇસ મોરિશસમાં રજિસ્ટર્ડ કેટલાક ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટના કારણે તપાસના ઘેરામાં છે. સેબીને હજુ મોરિશસના રેગુલેટરથી કોઇ જાણકારી મળી શકી નથી.

આ પહેલા જૂનમાં પણ સેબીએ લો કોસ્ટ એરલાઇન ગો ફર્સ્ટના આઈપીઓ ઉપર પણ રોક લગાવી દીધી હતી કારણ કે તેના પ્રમોટર સામે તપાસ ચાલી રહી હતી.

(1:05 pm IST)