મુખ્ય સમાચાર
News of Saturday, 21st August 2021

મહારાષ્ટ્રના બુલઢાણામાં લોખંડના સળિયા ભરેલી ટ્રક પલટી જવાથી 13 લોકોના કરૂણમોત: 3 ગંભીર

સળિયા નીચે દબાઈ જવાબથી આઠ લોકોના મોત ઘટનાસ્થળે ,બાકીના પાંચ લોકોના સારવાર દરમિયાન મોત થયા

મહારાષ્ટ્રના બુલઢાણામાં લોખંડના સળિયા ભરેલી ટ્રક પલટી જવાથી 13 લોકોના મોત થઈ ગયા છે. બુલઢાણાના સિંધખેડાઝામાં આ ટ્રક પલટી હતી,  કુલ 16 લોકો મુસાફરી કરી રહ્યા હતા. આ દુર્ઘટનામાં બચેલા 3 લોકોની હાલત પણ ગંભીર છે, તેમને સારવાર અર્થે જાલના જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરાયા છે. દુર્ઘટનામાં જીવતા બચેલાં લોકો પૈકી એક પાંચ વર્ષની બાળકી પણ છે. તમામ મૃતકો મધ્યપ્રદેશના ખરગોનના રહેવાસી છે, જે હાઈવે પર મજુરી કરવા માટે મહારાષ્ટ્ર આવ્યા હતા. જે હાઈવે પર દુર્ઘટના સર્જાઈ,એ હાઈવેનું નામ હિંદૂ હૃદય સમ્રાટ બાલા સાહેબ સમૃદ્ધિ હાઈવે છે. પોલીસના કહેવા અનુસાર હાઈવેના તાડેગાંવ-દસરબીડચ સેક્સનથી પસાર થતી વખતે ટ્રકની સ્પીડ વધુ હતી અને ટ્રકમાં લોડ પણ વધારે હતો, એટલે ટ્રક બેકાબૂ થઈ ગઈ અને ટ્રક પલટી ગયા બાદ સળિયા નીચે દબાઈ જવાબથી આઠ લોકોના મોત ઘટનાસ્થળે થયા હતા, જ્યારે બાકીના પાંચ લોકોના સારવાર દરમિયાન મોત થયા હતા.

દુર્ઘટનામાં જીવતા બચેલાં એક મજૂરે કહ્યું કે હાઈવે પર પાણી હતું અને પાછળથી આવતી બસને સાઈડ આપતી વખતે ટ્રકનું એક ટાયર કીચડમાં ફસાઈ ગયું હતું, સ્પીડ વધારે હોવાથી ટ્રક પલટી ગઈ હતી. આ ટ્રકમાં જે ઉપરના ભાગમાં હતા, એ મજૂરોના જીવ બચી ગયા અને નીચલા હિસ્સામાં હતા એ તમામ દબાઈને મરી ગયા. કિંગાંવના પોલીસ ઈન્સ્પેક્ટર સોમનાથ પવારે જણાવ્યું કે દુસરબીડથી લોખંડના સળિયા લઈને આ ટ્રક તાડેગાંવમાં એક રોડ નિર્માણની સાઈડ પર જઈ રહી હતી. આ લોખંડના સળિયાનો ઉપયોગ સમૃદ્ધિ હાઈવ પર બની રહેલા એક બ્રિજમાં થવાનો હતો. હજુ તમામ મૃતકોની ઓળખ થઈ શકી નથી.

(12:02 pm IST)