મુખ્ય સમાચાર
News of Saturday, 21st August 2021

તાલિબાને દરવાજે દસ્તક દેતા બાથરૂમમાં પુરાયા પરિવારના ૧૬ લોકો !

એવા લોકોને નિશાન બનાવી રહ્યા છે જેમણે અમેરિકા અથવા અફઘાનિસ્તાન સરકારની મદદ કરી હોય

કાબુલ તા. ૨૧ : અફઘાનિસ્તાનની રાજધાની કાબુલથી લઈને કંધાર અને જલાલાબાદથી લઈને હેરાત સુધી લગભગ દરેક નાના મોટા શહેરમાં સન્નાટો છે. રસ્તાઓ એક ચોક પર ફકત હથિયારધારી તાલિબાની લડાકુ જોવા મળી રહ્યા છે. સામાન્ય લોકોમાં તાલિબાનનો એટલો ડર પેશી ગયો છે કે તેઓ ઘરોમાંથી બહાર નથી નીકળતા. કહેવામાં આવી રહ્યું છે કે તાલિબાનના લડાકૂ હાલ દરેક ઘરની તલાશી લઈ રહ્યા છે. તેઓ એવા લોકોને નિશાન બનાવી રહ્યા છે જેમણે અમેરિકા અથવા અફઘાનિસ્તાન સરકારની મદદ કરી હોય. તલાશી દરમિયાન તાલિબાનના લડાકૂ જયારે એક ઘરમાં પહોંચ્યા તો ઘરના તમામ લોકો એક બાથરૂમમાં પુરાઈ ગયા હતા.

સમાચાર એજન્સી રોયટર્સના કહેવા પ્રમાણે તાલિબાનના લડાકૂઓએ એક એપાર્ટમેન્ટમાં જઈને ઘરનો દરવાજો ખખડાવ્યો હતો. જે બાદમાં ધરમા દોડધામ થઈ ગઈ હતી. પરિવારના ૧૬ લોકો બાથરૂમમાં પુરાઈ ગયા હતા. લાઇટ્સ બંધ કરી દીધી હતી. મોબાઇલ ફોન સ્વીચ ઓફ કરી દીધા હતા. બાળકોને ચૂપ રાખવા માટે તેમના મોઢા બંધ કરી દીધા હતા. આ પરિવાર એટલો ડરમાં હતો કે તે કોઈ જોખમ લેવા માંગતો ન હતો. છેલ્લા ૧૨ મહિના દરમિયાન આ પરિવારે ખૂબ જ ભયાનક દ્રશ્યો જોયા છે. તેમની આંખોની સામે જ બે પરિવારને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા.

પરિવારના એક સભ્યએ જણાવ્યું કે, 'મારો પરિવાર ડરમાં છે. તેઓ જેવી કોઈ કારને રોડ પર દોડતી જુએ છે કે બાથરૂમ તરફ ભાગે છે.' પરિવારના આ સભ્યએ આગળ કહ્યું કે તેઓ કેમ પણ કરીને અફઘાનિસ્તાનમાંથી ભાગવા માંગે છે. તેમણે અનેક દેશોની સરકાર પાસે વિઝા આપવાની અપીલ કરી છે. અહીંના લોકોને હવે ખાવાની સમસ્યા પણ નડી રહી છે. કારણ કે વિવિધ વસ્તુઓનો ભાવ હવે આસમાને પહોંચી રહ્યાં છે.

ગુપ્ત એજન્સીના સભ્યોનું માનીએ તો તાલિબાને ભલે એવું આશ્વાસન આપ્યું હોય કે તેઓ બદલો લેવા નથી માંગતા અને મહિલાઓને અધિકાર આપશે, પરંતુ લોકો ડરમાં છે. સૌથી વધારે ડર અહીંના સામાજિક કાર્યકરો, મહિલાઓ, પૂર્વ અધિકારીઓ, પત્રકારો અને પૂર્વ સૈનિકોમાં છે. સોશિયલ મીડિયા પર લોકો ડરાવનારા વીડિયો શેર કરી રહ્યા છે. તાલિબાનના લાડાકૂઓ જાહેરમાં લોકોને મારી રહ્યા છે. દરેક ઘરની તલાશી લેવામાં આવી રહી છે. જોકે, આ મામલે તાલિબાન તરફથી કોઈ પુષ્ટિ નથી કરવામાં આવી.

(11:47 am IST)