મુખ્ય સમાચાર
News of Saturday, 21st August 2021

બિહારમાં કોરોના મહામારી દરમિયાન અઢી લાખથી વધુના મોત

મહામારી દરમિયાન બિહારમાં મોત સાથે જોડાયેલા આંકડાઓમાં મોટું અંતર સામે આવ્યું: માર્ચ ૨૦૨૦થી મે ૨૦૨૧ સુધીમાં સિવીલ રજીસ્ટ્રેશન સિસ્ટમ હેઠળ પાછલા વર્ષની તુલનામાં ૨૫૧૦૫૩ મોત નોંધાયા, જ્યારે રાજ્યમાં કોવિડથી મોતનો સત્તાવાર આંકડો ૫૧૬૩ છે : મોતનો કુલ આંકડો સત્તાવાર મોતની સંખ્યાના ૪૮.૬ ગણો છેઃ ગુજરાત સહિત અનેક રાજ્યોમાં મોતના આંકડાઓમાં આવા અંતર સામે આવ્યાઃ યુપીમાં આ સંખ્યા ૪૩ ગણી છે

પટણા, તા. ૨૧ :. કોરોના વાયરસ મહામારી વચ્ચે બિહારમાં મોત સાથે જોડાયેલા આંકડાઓમાં મોટું અંતર સામે આવ્યુ છે. હાલમાં જ આવેલા એક રીપોર્ટમાં જણાવાયુ છે કે રાજ્યમાં કોવિડ-૧૯ મહામારીની શરૂઆતથી એટલે કે માર્ચ ૨૦૨૦થી મે ૨૦૨૧ સુધીમાં સિવીલ રજીસ્ટ્રેશન સિસ્ટમ (સીઆરએસ) હેઠળ ગત વર્ષની તુલનામાં ૨ લાખ ૫૧ હજારથી વધુ મોત નોંધાયા છે. જ્યારે રાજ્યમાં કોવિડથી મોતનો સત્તાવાર આંકડો ૫૧૬૩ છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના જણાવ્યા પ્રમાણે સંકટના સમયે થયેલ મોત અને સામાન્ય પરિસ્થિતિમાં થયેલ અપેક્ષિત મોતની તુલનામાં મળેલા અંતરને એકસેસ મોર્ટલિટી કહેવાય છે.

હિન્દુસ્તાન ટાઈમ્સના એક રીપોર્ટ અનુસાર બિહારમાં સીઆરએસ હેઠળ નોંધાયેલ વધુ મોતની સંખ્યા કોવિડના સત્તાવાર આંકડાથી ૪૮.૬ ટકા વધુ છે. આંકડાઓનું વિશ્લેષણ કરવા માટે મહામારીથી પહેલાના સમય (જાન્યુઆરી ૨૦૧૫થી ફેબ્રુઆરી ૨૦૨૦) સુધીના સીઆરએસના ડેટાની સરેરાશ કાઢવામાં આવી હતી. મહામારીની શરૂઆતના પહેલાના ૪ વર્ષના ગાળા એટલે કે ૨૦૧૫થી ૨૦૧૯ની તુલનામાં કોવિડ-૧૯ની શરૂઆત બાદથી ૨ લાખ ૫૧ હજાર ૦૫૩ વધુ મોત થયા છે જેમાં ૧ લાખ ૨૬ હજારથી વધુ મોત ૨૦૨૧ના શરૂઆતના ૫ મહિનામાં નોંધાયેલ છે. જ્યારે આ ગાળામાં કોવિડ-૧૯થી મોતની સંખ્યા ૩૭૬૬ હતી.

આ જ પ્રકારે અન્ય મીડીયા સંસ્થાઓએ પણ આંકડાઓનું વિશ્લેષણ કરી અલગ અલગ રાજ્યોમાં મોતના આંકડાની ગણતરીની માહિતી આપી હતી. આંધ્ર, આસામ, ગુજરાત, હિમાચલ, કર્ણાટક, કેરળ, મ.પ્રદેશ, મહારાષ્ટ્ર, પંજાબ, તામીલનાડુ, યુપી અને પ.બંગાળથી પણ આવા જ અનુમાન સામે આવ્યા હતા. કેરળમાં આ અંતર ૦.૪૨ હતુ. જ્યારે યુપીમાં આ સંખ્યા ૪૩ ગણી હતી.

ડબલ્યુએચઓના જણાવ્યા પ્રમાણે કોવિડ-૧૯ મોતની સંખ્યા સત્તાવાર આંકડાથી બે-ત્રણ ગણી વધુ હોય શકે છે.

રીપોર્ટ અનુસાર આ દરમિયાન તમામ મોત કોરોનાના કારણે જ નથી થયા પરંતુ મહામારી દરમિયાન મોતના આંકડામાં આવેલા અંતરનું પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ સ્વરૂપથી મહામારી સાથે જોડાયેલ હોવાની સંભાવના રહે છે.

બિહાર માટે ડેટાથી જણાય છે કે મહામારીથી પહેલા ૪ વર્ષના ગાળાની તૂલનામાં પ્રકોપની શરૂઆત બાદથી ૨૫૧૦૫૩ વધુ મોત થયા છે.

(10:51 am IST)