મુખ્ય સમાચાર
News of Saturday, 21st August 2021

શુદ્ઘતાના નવા નિયમથી તહેવારોમાં સોનાનાં આભૂષણોની ખેંચ વર્તાવાના એંધાણ

ઝવેરાત ઉદ્યોગે સરકારને હોલમાર્કિંગનો અમલ તહેવારોની મોસમ પૂરી થાય ત્યાં સુધી મોકૂફ રાખવાની વિનંતી

નવી દિલ્હી, તા. ૨૧ : ઝવેરીઓએ બનાવેલાં સોનાનાં આભૂષણો પર હોલમાર્કિંગનો સ્ટેમ્પ મરાવવામાં ભારે વિલંબ થઈ રહ્યો છે. પરિણામે તેમને માટે તહેવારોની મોસમમાં ઓર્ડર પૂરા કરવાનું મુશ્કેલ બની શકે. હોલમાર્કિંગના નિયમો જૂનથી અમલમાં આવ્યા છે. તે અનુસાર સપ્ટેમ્બર મહિનાથી હોલમાર્કિંગ વગરનાં આભૂષણો વેચવાં તે અપરાધ ગણાશે.

સમસ્યા એ છે કે દેશમાં પૂરતી સંખ્યામાં હોલમાર્કિંગ કેન્દ્રો નથી. તહેવારોની મોસમ પહેલાં હોલમાર્કિંગ કરેલાં આભૂષણો મોટા પ્રમાણમાં તૈયાર કરવા માટેના ધસારાને કારણે જે પ્રક્રિયા અગાઉ બે-એક કલાકમાં પૂરી થતી હતી તેને હવે ત્રણ દિવસ લાગવા માંડયા છે એમ ઓલ ઈન્ડિયા જેમ એન્ડ જવેલરી'ડોમેસ્ટિક કાઉન્સિલના અધ્યક્ષ આશિષ પેઠેએ જણાવ્યું હતું.

'ઘણાં કેન્દ્રો અમને ઘરેણાં લઈને થોડા દિવસ પછી આવવા કહે છે કેમકે તેમની પાસે પહેલેથી જ ઘણા ઓર્ડરો હોય છે. જો આવતા પંદરેક દિવસમાં પરિસ્થિતિ નહીં સુધરે તો દશેરા અને દિવાળીના તહેવારોમાં આભૂષણોના પુરવઠા પર અસર પડશે' એમ તેમણે કહ્યું હતું.

પુરવઠામાં ખાંચરો પડશે તો વેચાણમાં જોવાયેલો તાજો સુધારો પણ જોખમમાં આવી જશે. ગયે વર્ષે કોરોના મહામારી અને સોનાના વિક્રમ ઊંચા ભાવને કારણે આભૂષણોની માગ સાવ ઘટી ગઈ હતી. હવે સોનાના ભાવમાં થયેલો ઘટાડો, તહેવારો અને લગનસરાને કારણે માગ સુધરવાની આશા છે.

શેરબજારમાં ચાલી રહેલી ધૂમ તેજી પણ સોની બજારને ઉપકારક બનવાની આશા છે કેમ કે શેરધારકો વર્ષની કમાણીનો થોડો હિસ્સો તહેવારોમાં સોનામાં રોકતા હોય છે, એમ કોમટ્રેન્ડ્ઝ રિસ્ક મેનેજમેન્ટ સર્વિસિસના ડિરેકટર જ્ઞાનશેખર ત્યાગરાજને જણાવ્યું હતું.

'હોલમાર્કિંગ થતા વિલંબને લીધે ભાવ નહીં વધે, પરંતુ સોનાના વેપારીઓ ઝવેરીઓને સોનું વેચવા માટે જે પ્રીમિયમ વસૂલ કરે છે તે વધી જશે. સોનાનાં આભૂષણોનું હોલમાર્કિંગ લાંબા ગાળે આવકારપાત્ર પગલું છે, પરંતુ વર્તમાન મોસમમાં તે થોડી ચિંતા કરાવે તેવું લાગે છે', એમ લખનઊના લાલા જુગલ કિશોર જવેલર્સના ડિરેકટર તાન્યા રાસ્તોગીએ કહ્યું હતું.

ભારતની સોનાની વર્ષે આઠસો ટનની માગને પહોંચી વળે એટલી સંખ્યામાં હોલમાર્કિંગ કેન્દ્રો ન હોવાથી બજારમાં હોલમાર્કિંગની રાહ જોતાં આભૂષણોનો ભરાવો થવાની શકયતા હોવાનું તેમણે કહ્યું હતું.

ઝવેરાત ઉદ્યોગે સરકારને હોલમાર્કિંગનો અમલ તહેવારોની મોસમ પૂરી થાય ત્યાં સુધી મોકૂફ રાખવાની વિનંતી કરી છે, એમ પેઠેએ કહ્યું હતું. હાલ દેશના ૨૫૬ જિલ્લામાં હોલમાર્કિંગનો અમલ ફરજિયાત બનાવાયો છે.

(10:17 am IST)