મુખ્ય સમાચાર
News of Saturday, 21st August 2021

કાબુલ એરપોર્ટની બહાર કલાકોથી ફસાયેલા છે ૨૨૦ ભારતીયોઃ બસોમાં બેસીને અંદર જવાની રાહ જુએ છે

અમેરિકી સૈનિકોએ તેમની બસોને એરપોર્ટ બહાર જ રોકી છે

કાબુલ, તા.૨૧: અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં એરપોર્ટ બહાર લગભગ ૨૨૦ જેટલા ભારતીયો હાજર છે. જે અંદર પ્રવેશવાની રાહ જોઈ રહ્યા છે. ઈન્ડિયન એરફોર્સનું C17 વિમાન  ભારતીયોને બહાર કાઢવા માટે કાબુલ પહોંચી ચૂકયું છે. તમામ ભારતીયો છેલ્લા છ કલાકથી રાહ જોઈ રહ્યા છે. જેમ જેમ ઈન્તેજાર વધી રહ્યો છે તેમ તેમ જોખમ પણ વધી રહ્યું છે. કારણ કે કાબુલ ઈન્ટરનેશનલ એરપોર્ટ બહાર મોટી સંખ્યામાં તાલિબાનીઓ હાજર છે. આ બધા વચ્ચે એક C130 Hercules એ ૯૦ ભારતીયોને લઈને ઉડાણ ભરી લીધી છે. આ ભારતીયોને ગઈ કાલે બ્રિટિશ સૈનિકો સુરક્ષિત રીતે એરપોર્ટ લાવ્યા હતા.

તમામ ભારતીયો બસોમાં સવાર થઈને કાબુલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પહોંચ્યા છે. પરંતુ હજુ તેમને અંદર દાખલ થવા દીધા નથી. અમેરિકી સૈનિકોએ તેમની બસોને એરપોર્ટ બહાર જ રોકી છે. છેલ્લા ૬ કલાકથી ભારતીય નાગરિકો ત્યાં રાહ જોઈ રહ્યા છે. તેમણે સુરક્ષાનો હવાલો આપીને જલદી અંદર દાખલ થવાની માગણી કરી છે.

અફદ્યાનિસ્તાનમાં ફસાયેલા પોતાના નાગરિકોને બહાર કાઢવા માટે ભારત સ્પેશિયલ ઓપરેશન ચલાવી રહ્યું છે. કેટલાક નાગરિકોને અગાઉ કાબુલથી એરલિફ્ટ કરી લેવાયા હતા. એરફોર્સનું C17 વિમાન અન્ય ભારતીયોને લેવા માટે કાબુલ પહોંચ્યું છે. જો કે કયાંરનું તે વિમાન રનવે પર ઊભું છે. કારણ કે ભારતીયોને હાલ એરપોર્ટમાં દાખલ થવાની મંજૂરી મળી નથી.

(10:14 am IST)