મુખ્ય સમાચાર
News of Saturday, 21st August 2021

રવિવારે રક્ષાબંધનના દિવસે બ્લુ મૂન દેખાશે

જો રવિવારે આકાશ સંપૂર્ણ સાફ રહ્યું તો ભાગ્યે જ જોવા મળતો વાદળી ચંદ્ર દેખાશે

શત્રુઘ્ન સિંહાની વિશ્વનાથ ફિલ્મ જોનારાને તેના વિલન રણજીતનો પ્રખ્યાત ડાયલોગ વન્સ ઇન અ બ્લ્યુ મૂન યાદ હશે. બસ હવે આ જ વન્સ ઇન અ બ્લ્યુ મૂન રવિવારે રક્ષાબંધનના દિવસે દેખાશે. અમેરિકન એસ્ટ્રોનોમિકલ સોસાયટીએ સંકેત આપ્યા છે કે જો રવિવારે આકાશ સંપૂર્ણ સાફ રહ્યું તો ભાગ્યે જ જોવા મળતો વાદળી ચંદ્ર દેખાશે. આમ તમારો રક્ષાબંધનનો તહેવાર પણ વન્સ ઇન બ્લ્યુ મૂન બની શકે છે.

રક્ષાબંધનના દિવસે જ પૂનમ છે. માનવામાં આવે છે કે બ્લૂ મૂન પૂનમના દિવસે જ દેખાય છે. એક જ સીઝનની ચાર પૂનમમાંથી ત્રીજી કે અથવા તો કેલેન્ડર મુજબ બીજી પૂનમની રાતે પ્રગટ થતો ચંદ્ર બ્લૂ મૂન હોય છે. ઘણી વખત કેલેન્ડરમાં એક મહિનામાં બે પૂનમ હોય તો બીજી પૂનમે પ્રગટ થતા પૂર્ણ ચંદ્રને બ્લુ મૂન કહેવાય છે.

અલગ-અલગ સ્થળના વાતાવરણ અનુસાર બ્લૂ મૂનના રંગમાં પણ ફેરફાર થાય છે. આ બ્લૂ મૂન ક્યાંક થોડો સફેદ, હળવો લાલ, નારંગી કે પીળા રંગમાં પણ દેખાય છે. બ્લૂ મૂન પૂનમને પરંપરાગત રીતે વધારાની પૂનમ પણ કહેવાય છે.

એક વર્ષમાં બારના બદલે તેર પૂનમ આવે તેવું બહું ઓછું બને છે. માનવામાં આવે છે કે આ જ દિવસે લક્ષ્‍મી માતાનું અવતરણ થયું હતું અને આ જ દિવસે લક્ષ્‍મી માતા પૃથ્વી પર વિચરણ કરે છે. તેથી ઘણા લોકો આ દિવસે લક્ષ્‍મી માતાની પૂજા પણ કરે છે. સામાન્ય રીતે બધા લોકોએ એકબીજાની મદદ કરવી જોઈએ, પણ માનવામાં આવે છે કે આ દિવસે કરવામાં આવેલા દાનનું વિશેષ મહત્ત્વ છે. આ પહેલા ૩૧ ઓક્ટોબર ૨૦૨૦ના રોજ બ્લૂ મૂન દેખાયું હતું.

(12:50 am IST)