મુખ્ય સમાચાર
News of Saturday, 21st August 2021

અફઘાનિસ્તાનમાંથી 45 ટ્રકો માલસામાન ભરીને ભારત રવાના

વેપારીઓને પડતર સોદાઓની વહેલીતકે ડીલેવરી કરવા પણ આગ્રહ કર્યો : હિરેન ગાંધી

અમદાવાદ : અફઘાનિસ્તાનમાં તાલિબાનોએ કબ્જો કરતાં અંધાધૂંધી અને ભયનું વાતાવરણ ફેલાયું હોવાની વાતો ભારતમાં વહેતી થઇ છે ત્યારે અફઘાનિસ્તાનમાં બજારો ખુલ્લાં છે ત્યાં સુધી કે ત્યાંથી 45 ટ્રકો માલસામાન ભરીને ભારત રવાના કરાઇ હોવાનું ઓલ ઇન્ડિયા સ્પાઇસીસ ઇમ્પોર્ટસ ફેડરેશનના સેક્રેટરી હિરેન ગાંધીએ જણાવ્યું છે. તેમણે અફઘાનિસ્તાનના વેપારીઓને પડતર સોદાઓની વહેલીતકે ડીલેવરી કરવા પણ આગ્રહ કર્યો હોવાનું જણાવ્યું છે.

ઓલ ઇન્ડિયા સ્પાઇસીસ ઇમ્પોર્ટસ ફેડરેશનના સેક્રેટરી હિરેન ગાંધીએ જણાવ્યું છે કે, વિશ્વના બે દેશો ઇરાન તથા અફઘાનિસ્તાનમાંથી હીંગ ( લીકવીડ ) ભારતમાં આવે છે. તેમાં ઘઉંના પાવડર સહિત અન્ય પાવડર નાંખીને પ્રોસેસ કરીને હીંગને કન્ઝયુમર પેકમાં મૂકવામાં આવે છે. આ ઉપરાંત ડ્રાયફૂટ્સ જેવા કે અંજીર, જરદાળુ, પિસ્તા, બદામ, દ્રાક્ષ પણ આવે છે. જયારે ભારતમાંથી ખાંડ, તમાકુ, ફાર્માસ્યુટીકલ અને ફાયબર ફ્રેબીક્સ, ઇલેકટ્રીક ટ્રાન્સમીશનની નિકાસ થાય છે. ભારતમાંથી 997.84 મીલીયન યુ.એસ. ડોલરની નિકાસ થાય છે. જયારે આયાત 529 મીલીયન યુ.એસ. ડોલરની થાય છે.

તેમણે જણાવ્યું છે કે, પડતર સોદાની ડેલીવરી માટે આગ્રહ કર્યો છે. અફઘાન સેન્ટ્રલ બેંક જયાં સુધી ચાલુ ના થાય અને તેનું લોજીસ્ટીક વ્યવસ્થિત ના થાય તદઉપરાંત ભારતીય એમ્બેસી ચાલુ ના થાય ત્યાં સુધી અમે થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી છે.

જયારે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ નટુ પટેલે જણાવ્યું છે કે, ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 7 મીલીયન યુ.એસ. ડોલરની આયાત થાય છે. જેમાંથી 2 મીલીયન યુ.એસ. ડોલર પેટ્રોલ અને ડિઝલના છે. જયારે બાકીના 5 મીલીયન યુ.એસ. ડોલરમાં ફાર્માસ્યુટીકલ સહિત જરૂરી ચીજવસ્તુઓની આયાત થાય છે. અને અફધાનીસ્તાનના વેપારીઓ ભારતમાંથી બાસમતી ચોખા તથા એગ્રીકલ્ચર માટે જંતુનાશક દવા ખરીદતા હતા.

(12:41 am IST)