મુખ્ય સમાચાર
News of Saturday, 21st August 2021

તાલિબાનોએ ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ઉપર કબ્જો કરી લીધો: અફઘાનિસ્તાનના છ મોટા ક્રિકેટ સ્ટેડિયમ પણ કબજામાં લીધા

કાબુલ: અફઘાનિસ્તાન ઉપર સંપૂર્ણ નિયંત્રણ મેળવ્યા બાદ તાલિબાનોની નજર હવે ત્યાંના ક્રિકેટ બોર્ડ પર છે.  તાલિબાનોએ કાબુલમાં અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડની ઓફિસ પણ જપ્ત કરી છે.  

સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો સામે આવી છે, જેમાં કેટલાક તાલિબાનીઓ પૂર્વ ક્રિકેટર અબ્દુલ્લાહ મઝારી સાથે એકે-૪૭ રાઇફલ સાથે અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડની ઓફિસમાં બેઠેલા જોવા મળી રહ્યા છે.  અગાઉ, અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે વિશ્વને ખાતરી આપી હતી કે તાલિબાનના ભય વચ્ચે પણ રમતને નુકસાન નહીં થાય.  ક્રિકેટ બોર્ડના સીઇઓ હમિનાદ શિનવારીએ કહ્યું હતું કે તાલિબાન ક્રિકેટને પ્રેમ કરે છે.  તેણે અમને શરૂઆતથી જ પોતાનો ટેકો આપ્યો છે.
બહાર આવી રહેલ અહેવાલો અનુસાર, તાલિબાન લડવૈયાઓએ અફઘાનિસ્તાનમાં ૬ મોટા ક્રિકેટ સ્ટેડિયમો પર પણ કબજો કર્યો છે.  જેમાં કાબુલના સ્ટેડિયમનો સમાવેશ થાય છે.  
દરમિયાન તાલિબાને હજુ સુધી નવી સરકાર માટે કોઈ યોજના રજૂ કરી નથી, જે તેઓ ચલાવવા માંગે છે.  તેમણે માત્ર એટલું જ કહ્યું છે કે તેઓ શરિયા અથવા ઇસ્લામિક કાયદાના આધારે સરકાર ચલાવશે.

(12:00 am IST)