મુખ્ય સમાચાર
News of Saturday, 21st May 2022

IFS અધિકારી વિવેક કુમાર પ્રધાનમંત્રી મોદીના અંગત સચિવ તરીકે નિયુક્ત: કેન્દ્રની લીલીઝંડી

વિવેક કુમાર સંજીવ કુમાર સિંગલાનું સ્થાન લેશે: પીએમ મોદીના પ્રાઈવેટ સેક્રેટરી સંજીવ સિંગલા ઈઝરાયલમાં ભારતીય રાજદૂત બન્યાં

નવી દિલ્હી :  પ્રધાનમંત્રી કાર્યાલયના ડિરેક્ટર અને ઈન્ડીયન ફોરેન સર્વિસના અધિકારી વિવેક કુમારને પ્રધાનમંત્રી મોદીના અંગત સચિવ તરીકે નિયુક્ત કરાયા છે. પ્રધાનમંત્રી મોદીની આગેવાની વાળી કેબિનેટની નિયુક્તી સમિતીએ વિવેક કુમારની નિયુક્તીને લીલીઝંડી આપી હતી. 

   કુમાર 2004 ની બેચના IFS અધિકારી છે. ભારત સરકાર તરફથી જાહેર કરવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે કેબિનેટની નિયુક્તિ સમિતિએ વિવેક કુમાર, આઈએફએસ (2004)ને પ્રધાનમંત્રી કાર્યાલયમાં સંયુક્ત સચિવના સ્તર પર પ્રધાનમંત્રીના અંગત સચિવ તરીકે નિયુક્ત કર્યા છે. ભારતના પ્રધાનમંત્રીના મુખ્ય સચિવ પીએમઓમાં સૌથી વરિષ્ઠ અમલદાર અને વહીવટી અધિકારી છે. મુખ્ય સચિવની પસંદગી ભારતીય વહીવટી સેવા અને ભારતીય વિદેશ સેવામાંથી કરવામાં આવે છે.

આઈએફએસ વિવેક કુમાર સંજીવ કુમાર સિંગલાનું સ્થાન લેશે. કેન્દ્ર સરકારે સંજીવ કુમાર સિંગલાને ઈઝરાયલમાં ભારતના રાજદૂત બનાવ્યાં છે. 1997ની આઈએફએસ બેંચના અધિકારી સિંગલાની 2014માં પીએમ મોદીના પ્રાઈવેટ સેક્રેટરી તરીકે નિયુક્તી થઈ હતી. તેલ અવીવ (ઈઝરાઈલી રાજધાની) સ્થિત ભારતીય એમ્બેસીમાં થોડા સમયના પોસ્ટિંગ બાદ તેઓ ભારત આવીને પ્રધાનમંત્રી કાર્યાલયમાં જોડાયા હતા. હવે તેઓ તેલ અવીવમાં ઈન્ડીયન એમ્બેસેડર તરીકે સેવા આપશે. 

 

(9:41 pm IST)