મુખ્ય સમાચાર
News of Wednesday, 21st February 2018

કર્ણાટકમાં ભાજપ-કોંગીની સામે ઉમેદવારોને લઇ ગુંચ

ઉમેદવારોની પસંદગી સૌથી મોટા પડકાર તરીકે છેઃ કર્ણાટક વિધાનસભાની ચૂંટણી આડે બે મહિનાનો સમય રહ્યો છે ત્યારે ઉમેદવારની પસંદગી બન્ને માટે મોટો પડકાર

બેંગલોર,તા. ૨૧: કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણીમાં બે મહિનાનો સમય રહી ગયો છે ત્યારે ભાજપ અને કોંગ્રેસની સામે હવે ઉમેદવારોની પસંદગીનો મામલો જટિલ બની ગયો છે. ઉમેદવારોની પસંદગી એક મોટા પડકાર તરીકે છે. જે લોકોને ટિકિટ મળવાની આશા છે તે ઉમેદવારોએ તો જમીની સ્તર પર કામગીરી શરૂ પણ કરી દીધી છે. સુત્રોએ કહ્યુ છે કે ઉમેદવારોની પસંદગી પહેલા ખાનગી એજન્સી પાસેથી સર્વેને મંજુરી મળી ગઇ છે. કેટલાક મામલે વિધાનસભા ક્ષેત્રોમાં જાતિ આધાર પર સર્વે કરવામાં આવી રહ્યા છે. આ સર્વેના કારણે સામાન્ય લોકોના મનમાં શુ છે તે બાબત જાણી શકાશે. કોંગ્રેસના ઉમેદવારોની પસંદગી પર મુખ્યપ્રધાન સિદ્ધારમૈયા અને એઆઇસીસી મહાસચિવ કેસી વેણુગોપાલ, રાજ્ય એકમના અધ્યક્ષ જી. પરમેશ્વરના નજીકના લોકો નજર રાખી રહ્યા છે. ભાજપે ઉમેદવારોની પસંદગીની બાબત પક્ષ પ્રમુખ અમિત શાહ પણ છોડી  દેવામાં આવી છે. ભાજપ રાજ્ય એકમના અધ્યક્ષ અને પાર્ટીના મુખ્યપ્રધાન પદના ઉમેદવાર બીએસ યેદીયુરપ્પાને પણ પોતાના નજીકના લોકોની ભલામણ અમિત શાહને કરવાની ફરજ પડી રહી છે. બીજી બાજુ શાહ ઉમેદવારોની પસંદગી માટે રાજ્યના વેતાઓની સાથે સલાહ કરી રહ્યા નથી. જેથી તેઓ પોતાના સર્વે પર આધાર રાખવા ઇચ્છુક છે. ભાજપના એક પૂર્વ પ્રધાને કહ્યુ છે કે ઉમેદવારો પર અંતિમ નિર્ણય અમિત શાહ દ્વારા લેવામાં આવનાર છે. તેમણે કહ્યુ હતુ કે રાજ્યના નેતાઓને તો હજુ સુધી એ બાબત અંગે પણ માહિતી નથી કે સર્વેના પરિણામ શુ આવી રહ્યા છે. તેમને જુદા જુદા વિધાનસભા ક્ષેત્રની જવાબદારી સોંપવામાં આવી છે. કેટલાકને સંબંધિત સીટ પર જીત પાકી કરવા માટેની જવાબદારી સોંપાઇ છે.

(12:59 pm IST)