મુખ્ય સમાચાર
News of Thursday, 21st January 2021

ચીની અર્થવ્યવસ્થામાં ૭.૯ ટકાનો ગ્રોથનું આઈએમએફનું અનુમાન

મંદીના આ દૌરમાં ચીની અર્થવ્યવસ્થા કેવી રીતે કરે છે વિકાસ ?

વુહાનઃ સૈન્ય તાકાતમાં અસાધારણ વધારાથી લઈને પોતાને એક સંપન્ન દેશ બનાવવા અને દુનિયાનું મેન્યુફેકચરીંગ હબ બનવા સુધીની સફર ચીને રોકેટ ઝડપે પુરી કરી છે. ૧૯૭૯માં પોતાની અર્થવ્યવસ્થાને વિદેશી રોકાણો માટે ખોલવા અને આર્થિક સુધારાઓ અમલી બનાવ્યાના ફકત ૪૦ વર્ષોમાં ચીનની આર્થિક અને સૈન્ય સુપર બનવાની સફરને આખી દુનિયાએ હેરતભરી દ્રષ્ટિએ જોઈ છે.

૨૦૧૯ના અંતમાં ચીને દુનિયાને ચોંકાવી દીધી જ્યારે તેના એક શહેર વુહાનમાંથી ખતરનાક કોરોના વાયરસ ફેલાવાનો શરૂ થયો જ્યાં સુધીમાં કોઈ સમજે ત્યાં સુધીમાં તે આખી દુનિયામાં ફેલાય ગયો. આ એક વાયરસે આખી દુનિયાને લાચાર અને પંગુ બનાવી દીધી. આ મહામારી દરમ્યાન સામાન્ય માણસથી માંડીને પશ્ચિમના દિગ્ગજ દેશો સુધીના બધાની આવક અને અર્થવ્યવસ્થા ધરાશાયી થઈ ગઈ., હજુ પણ દુનિયા આ મહામારીની અસરમાંથી પોતાની અર્થવ્યવસ્થાને ઉગારવાની કોશિષો કરી રહી છે.

જો કે આ બાબતે પણ ચીને આખી દુનિયાને ચોંકાવી દીધી છે. જ્યારે આખા વિશ્વની મોટાભાગની અર્થવ્યવસ્થાઓ નેગેટીવ ગ્રોથનો સામનો કરી રહી છે અથવા મામૂલી ગ્રોથ માટે સંઘર્ષ કરી રહી છે ત્યારે ચીને ગ્રોથના જોરદાર આંકડાઓ દ્વારા વિશ્વને હેરતમાં મુકી દીધુ છે. ચીની અર્થવ્યવસ્થા જે ઝડપે વધી રહી છે તે કોરોના સામે લડી રહેલા અન્ય દેશો માટે કલ્પના બહારની છે.

સીનીયર અર્થશાસ્ત્રી પ્રોફેસર અરૂણકુમાર કહે છે કે ચીની અર્થવ્યવસ્થા ફરીથી ઉભી થવા પાછળના બે ત્રણ કારણો છે. પહેલુ તો ચીને મહામારીને બહુ ઝડપથી કંટ્રોલ કરી લીધી. ત્યાર પછી તેણે પોતાની અર્થવ્યવસ્થાને બહુ જલ્દી ખોલી નાખી. મહામારી કંટ્રોલ કરી લેવાના લીધે ચીનને બીજા દેશો જેવી મુશ્કેલીઓનો સામનો ન કરવો પડયો. કુમાર કહે છે કે ચીને કોરોના વાયરસને પોતાને ત્યાં બીજા વિસ્તારોમાં ફેલાવા ન દીધો. તેમણે તેને હુવેઈ પ્રાંતમાં જ કંટ્રોલ કરી લીધો. તેના કારણે ચીની અર્થવ્યવસ્થા ઝડપથી ઉભી થઈ ગઈ.

ચીનનું એકસપોર્ટ સેકટર ડીસેમ્બર ૨૦૨૦માં પણ ઝડપભેર વધ્યુ છે. ડીસેમ્બરમાં ચીનનું ટ્રેડ સરપ્લસ રેકોર્ડ સ્તરે પહોંચી ગયુ. આખી દુનિયામાં હેલ્થ ઉપકરણો અને વર્ક ફ્રોમ હોમની ટેકનીકની માંગે ચીનની નિકાસને જાળવી રાખી. અરૂણકુમાર કહે છે કે એવુ લાગતુ હતુ કે મહામારીના કારણે ચીનની નિકાસમાં મોટો ઘટાડો થશે પણ એવું ન થયું. ડીસેમ્બરમાં ચીનની નિકાસ ૧૮.૧ ટકાના દરે વધી, જે નવેમ્બરમાં ૨૧.૧ ટકા હતી. ક્રીસીલના ડી.કે. જોશી કહે છે કે ચીનનો વિકાસ મોટા ભાગે મેન્યુફેકચરીંગ સેકટરમાંથી આવ્યો છે. ચીનની નિકાસ પણ જોરદાર છે. આ ઉપરાંત ચીની સરકાર ઈન્ફ્રાસ્ટ્રકચર પર પણ બહુ પૈસા રોકી રહી છે.

(3:50 pm IST)