મુખ્ય સમાચાર
News of Sunday, 21st January 2018

જમ્મુ અને કાશ્મીરમાં ખૂનની હોળી રમાઈ રહી છે : મુફ્તી

જમ્મુ કાશ્મીરને યુદ્ધનો અખાડો ન બનાવવા અપીલ : શાંતિ માટે પગલા લેવા મોદી તેમજ પાકિસ્તાનને અપીલ

નવીદિલ્હી, તા.૨૧ : છેલ્લા કેટલાક દિવસથી જમ્મુ કાશ્મીરમાં અંકુશરેખા અને આંતરરાષ્ટ્રીય સરહદ પર પાકિસ્તાન તરફથી કરવામાં આવી રહેલા યુદ્ધવિરામના ભંગને લઇને જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીએ પોતાની પ્રતિક્રિયા આપી છે. મહેબુબાએ વડાપ્રધાન મોદી અને પાકિસ્તાનને શાંતિ માટે પગલા લેવા અપીલ કરી છે. જમ્મુ કાશ્મીરને યુદ્ધના અખાડા તરીકે ન બનાવવા માટે કહ્યું છે. પાકિસ્તાનના ગોળીબારમા ંહજુ સુધી પાંચ જવાનના મોત થઇ ચુક્યા છે. છ નાગરિકો પણ ઘાયલ થયા છે. મહેબુબાએ તંગદિલીનો અંત લાવવા ભાવનાશીલ અપીલ કરી છે. સરહદ ઉપર ખૂની હોળી રમાઈ રહી છે. જમ્મુ કાશ્મીરમાં શાંતિ સ્થાપિત કરવા માટે પહેલ કરવા મોદી અને પાકિસ્તાનને મુફ્તીએ અપીલ કરી છે. મહેબુબાએ નવા પોલીસ કોન્સ્ટેબલોની પાસિંગ આઉટ પરેડમાં ભાગ લેતા કહ્યું હતું કે, જમ્મુ કાશ્મીરમાં સ્થિતિ ખુબ જ તંગ બનેલી છે. સરહદ ઉપર હાલત કફોડી બનેલી છે. ખૂની હોળી રમાઈ રહી છે. વડાપ્રધાન કહે છે કે, દેશને વિકાસના માર્ગ ઉપર લઇ જવાની જરૂર છે પરંતુ અમારા રાજ્યમાં ઉંધી વાત થઇ રહી છે. મિત્રતા માટે આગળ વધવા માટે મહેબુબાએ અપીલ કરી છે. ગુરુવારથી પાકિસ્તાને અવિરત ગોળીબાર જારી રાખ્યો છે. હજુ સુધી પાકિસ્તાન તરફથી કરાયેલા ગોળીબારમાં ૧૧ લોકોના મોત થઇ ચુક્યા છે જેમાં બીએસએફ અને સેનાના પાંચ જવાનોનો સમાવેશ થાય છે. જમ્મુ કાશ્મીર પોલીસના અધિકારીઓના કહેવા મુજબ આરએસપુરા સુધી પાકિસ્તાની રેન્જર્સ દ્વારા અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો છે. સેનાની ચોકીઓને પણ ટાર્ગેટ બનાવીને ગોળીબાર કરાયો છે. ગોળીબારમાં અનેક પશુઓના પણ મોત થયા છે. સરહદ ઉપર ગોળીબારના કારણે તંગદિલી પ્રવર્તી રહી છે.

(7:46 pm IST)