મુખ્ય સમાચાર
News of Monday, 20th September 2021

બંગાળમાં બીજેપીના 10 ધારાસભ્યો ટૂંક સમયમાં જ પાર્ટી છોડશે : ટીએમસીના મહાસચિવ પાર્થ ચેટર્જીનો મોટો દાવો

પૂર્વ કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયોએ પાર્ટી છોડતા બીજેપીને ઝટકો લાગ્યો હતો.

કોલકતા :  પશ્ચિમ બંગાળ ચૂંટણી જ્યારથી પૂરી થઈ ત્યારથી કંઈકને કઈક વિવાદો સામે આવતા રહે છે. પછી હિંસાનો મામલો હોય કે ધારાસભ્યોની પાર્ટી બદલવાનો મામલો હોય. તાજેતરમાં જ પૂર્વ કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયોએ બીજેપીનો સાથે છોડી ટીએમસીમાં જોડાયા છે. જો કે હવે પંશ્ચિમ બંગાળના ઉદ્યોગ મંત્રી અને ટીએમસીના મહાસચિવ પાર્થ ચેટર્જીએ દાવો કર્યો છે કે બીજેપીના 10 ધારાસભ્યો ટૂંક સમયમાં જ પાર્ટી છોડશે.

 અત્રે ઉલ્લેખનીય છે કે  પંશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી પછી મુકુલ રોય સહિત બીજેપી 5 નેતા પાર્ટી છોડીને ટીએમસીમાં સામેલ થઈ ગયા છે. બંગાળ વિધાનસભામાં બીજેપી ધારાસભ્યોની સંખ્યા 75થી ઘટીના 71 થઈ ગઈ છે. આ પહેલા પૂર્વ કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયોએ પાર્ટી છોડતા બીજેપીને ઝટકો લાગ્યો હતો.

ટીએમસીના મહાસટિવ પાર્થ ચેટર્જીએ કહ્યું કે, બીજેપીને ડર છે કે તેમની પાર્ટીના વધુ 10 સભ્યો ચાલ્યા જશે. તે (શુભેન્દુ અધિકારી) માત્ર ટ્વીટ કેમ કરી રહ્યા છે? તેમણે મેદાનમાં ઉતરવું જોઈએ. પાર્થ ચેટર્જીએ પશ્ચિમ બંગાળ બીજેપીના રાજ્યસભા પેટાચૂંટણી માટે ઉમેદવાર ન ઉતારવાના પગલા અને શુભેંદુ અધિકારીની 'અનિર્વાચિત સીએમ' ટિપ્પણીનો જવાબ આપતા આ વાત કરી હતી. તમને જણાવી દઈએ કે આજે શુભેન્દુ અધિકારીએ જાહેરાત કરી છે કે, બીજેપી રાજ્યસભા પેટાચૂંટણીમાં પોતાનો ઉમેદવાર નહીં ઉભો રાખે. જેના કારણે ટીએમસીના ઉમેદવાર સુષ્મિતા દેવ નિર્વિરોધ રીતે રાજ્યસભાના સાંસદ બની જશે.

નોંધનિય છે કે, પશ્ચિમ બંગાળ ચૂંટણીના પરિણામ આવ્યા બાદ બીજેપીમાં ભાગદોડ મચી છે. બંગાળમાં રાયગંજથી બીજેપી ધારાસભ્ય કૃષ્ણ કલ્યાણીએ પણ બંડ પોકાર્યું છે. તેમણે ફરી એકવાર પાર્ટી નેતૃત્વ પર નારાજગી વ્યક્ત કરતા તેમણે કહ્યું કે, જો તેમની ફરિયાદ સાંભળવામાં નહીં આવે તો તે ટૂંક સમયમાં પોતાના રાજનીતિક ભવિષ્યનો નિર્ણય કરશે. નોંધનિય છે કે, મુકુલ રોયે પાર્ટી છોડ્યા બાદ સતત બીજેપી નેતા ટીએમસીમાં સામેલ થઈ રહ્યા છે.

(10:55 pm IST)