મુખ્ય સમાચાર
News of Monday, 20th September 2021

ગુડ ગવર્નન્સ... તેલંગાણાના ઉદ્યોગમંત્રી માત્ર ૪ દિ'માં ૨૪૦૦ કરોડનું રોકાણ લાવ્યા

પોતાના રાજ્યના લોકોનું ભલુ કેમ થઇ શકે ? તે માટે સતત કાર્યશીલ - ચિંતનશીલ કે.ટી.રામારાવનો વિડીયો વર્તમાન રાજકારણીઓ માટે પ્રેરણાદાયક : ગુજરાતના પૂર્વમંત્રી જયનારાયણ વ્યાસની દૂરંદેશીથી આજે એક ઉદ્યોગ સમુહ ભારતના નંબર-વનના સ્થાને બિરાજે છે

હૈદ્રાબાદ તા. ૨૦ : એક સોમવારની સવારે તેલંગાણા રાજ્યના ઉદ્યોગપ્રધાન કે.ટી.રામારાવે અખબારમાં એક સમાચાર વાંચ્યા કે કીટેક્ષ ગ્રુપ કેરળમાંથી ૩ થી ૫ હજાર કરોડના રોકાણનો અંત લાવશે. આ સમાચાર વાંચતા જ તેમણે પોતાની ટીમને કામે લગાડી દીધી.

સોમવારે સવારે સમાચાર વાંચ્યાના ૪ દિવસમાં એટલે કે શુક્રવારે કોરોના મહામારી ચાલી રહી હોવા છતાં કીટેક્ષ ગ્રુપના માલિકો અને ઉચ્ચ અધિકારીઓને કેવી રીતે સ્પેશ્યલ ફલાઇટ દ્વારા કેરળથી તેલંગાણા લવાયા તે ખરેખર અદ્ભૂત છે.

સરકારી વિમાનનો ઉપયોગ જે રીતે કોઇ રોકાણને તેલંગાણાની ભૂમિ પર આકર્ષિત કરવા માટે કરાયો તે ગુડ ગવર્નન્સનું ઉદાહરણ કે.ટી.રામારાવે પ્રસ્તુત કર્યું છે નહીંતર સરકારી વિમાનોનો ઉપયોગ પ્રધાનો અને ઉચ્ચ અધિકારીઓ માટે જ થતો હોય છે.

આ પ્રકારના દૂરદર્શી ઉદ્યોગ પ્રધાન હોય તો રાજ્યના લોકોનું ભલુ કેવી રીતે થાય તેનો જવાબ છે આ રોકાણથી તેલંગાણા રાજ્યના ફકત બે જિલ્લાઓમાં જ ૨૨૦૦૦ લોકો (જેમાં ૮૫ થી ૯૦ ટકા મહિલાઓ) ને પ્રત્યક્ષ અને ૮૦,૦૦૦ લોકોને અપ્રત્યક્ષ રોજગારી મળશે.

ગુજરાતમાં આવો દૂરદર્શી નિર્ણય ૭૦-૮૦ના દાયકામાં જ્યારે ડોકટર જય નારાયણ વ્યાસ ગુજરાત સરકારની રોકાણ એજન્સી ઇન્ડેક્ષ ટીબી - ઔદ્યોગિક વિસ્તાર બ્યુરોના ટોચના અધિકારી હતા ત્યારે લેવાયો હતો અને આજે ભારતના સૌથી મોટા ગ્રુપને આ નિર્ણય લેવડાવવામાં ડો. વ્યાસે બહુ મહત્વની ભૂમિકા ભજવી હતી અને તેના ફળ હજુ આજે પણ હજીરા (સુરત) અને ગુજરાતના લોકોને મળી રહ્યા છે.

કહેવાનું તાત્પર્ય એ છે કે સત્તા સ્થાને બેસેલ કોઇ વ્યકિત જો ભણેલ ગણેલ હોય, સમાચારો પર નજર રાખવામાં રૂચી હોય અને આવા સમાચારો પર જરૂરી કાર્યવાહી માટે તૈયાર રહેવા માટે સક્ષમ હોય તો કેવી રીતે પ્રજાના કામો કરી શકાય તેનું આ ઉદાહરણ છે.

(12:53 pm IST)