મુખ્ય સમાચાર
News of Monday, 20th September 2021

અમેરિકામાં કોરોનાનો ફરી ફુંફાડોઃ ૧ દિ'માં ૨૫૭૯ના મોત

રૂસ અને બ્રાઝીલમાં પણ કોરોનાનું તાંડવઃ બ્રાઝીલમાં ૯૩૫ તો રૂસમાં ૭૯૩ લોકોના જીવ ગયા : વિશ્વભરમાં કોરોના સંક્રમિતોનો આંકડો વધીને ૨૨.૮૧ કરોડઃ મહામારી ૪૬.૮ લાખથી વધુ લોકોને ભરખી ગઇ

વોશીંગ્ટન, તા.૨૦: કોરોનાની બીજી લહેર દરમ્યાન ભારતની સ્થિતી પર પશ્ચિમી મીડીયાને મચાવેલ દેકારો બધાને યાદ છે પણ હવે એવી જ પરિસ્થિતી સૌથી શકિતશાળી અને સાધન સંપન્ન દેશ અમેરિકામાં જોવા મળી રહી છે. અમેરિકામાં સંક્રમણના દૈનિક કેસોમાં ઘટાડો થયા છતાં રોજના સરેરાશ ૨૦૦ મોત થઇ રહ્યા છે. અને સંક્રમણના ૯૯ ટકા કેસોમાં ડેલ્ટા વેરીયન્ટ જ જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં રશીયા અને બ્રાઝીલ પણ કોરોના મહામારીથી ખરાબ રીતે અસરગ્રસ્ત છે.

અમેરિકન અખબાર 'ધ ન્યુયોર્ક ટાઇમ્સ' અનુસાર, શનિવારે અમેરિકામાં મોતની સાત દિવસની સરેરાશ ૨૦૧૨ સુધી પહોંચી ગઇ છે. શુક્રવારે દેશમાં ૨૫૭૯ મોત નોંધાયા હતા. ૧૩ સપ્ટેમ્બરે દૈનિક નવા કેસનો આંકડો ૨.૮૫ લાખ પહોંચ્યા પછી તેમાં ઘટાડો થયો છે. અને શુક્રવારે દેશમાં ૧.૬૫ લાખ નવા કેસ નોંધાયા હતા.

સીડીસીએ શનિવારે ચેતવણી આપી કે દેશમાં બાળકોના હોસ્પિટલમાં દાખલ થવાનો દર વધી રહ્યો છે. દેશના ટોચના સંક્રમક રોગ નિષ્ણાંત ડોકટર એન્થની ફાસીએ કહ્યું કે અત્યારે હોસ્પિટલોમાં વધારે બાળકો દાખલ થઇ રહ્યા છે. કેમ કે ડેલ્ટા વેરીયન્ટ મોટા અથવા બાળક બંનેમાં ઝડપથી ફેલાય છે.

અલબામાં રાજયના ઈતિહાસમાં પહેલીવાર ગયા વર્ષે જન્મથી વધારે મોત નોંધાયા છે. બંને વિશ્વયુધ્ધ અને ૧૯૧૮માં ફલુ મહામારી દરમ્યાન પણ આવું નહોતું બન્યું.

તો બીજી તરફ બ્રાઝીલમાં પણ સ્થિતી સુધરવાનું નામ નથી લેતી. સંક્રમિતો બાબતે બ્રાઝીલ વિશ્વમાં ત્રીજા નંબર પર છે. બ્રાઝીલમાં શનિવારે ૧,૫૦,૧૦૬ નવા કેસ આવ્યા અને ૯૩૫ લોકોના મોત થયા હતા. તો રશિયામાં પણ કોરોનાથી થનારા મોત નથી ઘટી રહ્યા. રશિયામાં છેલ્લા ૨૪ કલાકમાં ૭૯૩ મોતથી મૃતકોની કુલ સંખ્યા ૧.૯૩ લાખથી વધી ગઇ છે. ઇટલીમાં પણ રવિવારે કોરોનાથી ૨૬ લોકોના મોત થયા છે.

સમાચાર એજન્સી આઇએએસના રિપોર્ટ અનુસાર, દુનિયાભરમાં કોરોના સંક્રમિતોનો આંકડો ૨૨.૮૧ કરોડે પહોંચ્યા છે અને મહામારીથી અત્યાર સુધીમાં ૪૬.૮ લાખથી વધારે લોકોના મોત થઇ ચૂકયા છે.

(10:46 am IST)