મુખ્ય સમાચાર
News of Friday, 20th May 2022

અમે જિલ્લા ન્યાયાધીશ પર સવાલો ઉઠાવી શકીએ નહીં, તેમની પાસે 25 વર્ષનો અનુભવ છે : જ્ઞાનવાપી મસ્જિદ કેસની સુનાવણી વારાણસી કોર્ટમાં જ થશે, સુપ્રીમ કોર્ટે કેસ ટ્રાન્સફર કર્યો

ન્યુદિલ્હી : સુપ્રીમ કોર્ટે જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ કેસને વારાણસી જિલ્લા કોર્ટમાં ટ્રાન્સફર કરી દીધો છે. સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે અમે જિલ્લા ન્યાયાધીશ પર સવાલો ઉઠાવી શકીએ નહીં, તેમની પાસે 25 વર્ષનો અનુભવ છે.

આ સાથે જ કોર્ટે શિવલિંગ જ્યાં મળે છે તે જગ્યાને સીલબંધ રાખવા અને મર્યાદિત સંખ્યામાં મુસ્લિમોને અલગ જગ્યાએ નમાઝ અદા કરવા અને વજુ કરવાની મંજૂરી આપવાનો વચગાળાનો આદેશ પણ ચાલુ રાખ્યો છે. કોર્ટે કહ્યું કે 17 મેના રોજ લાગુ કરવામાં આવેલો આ આદેશ 8 અઠવાડિયા સુધી એટલે કે 17 જુલાઈ સુધી અમલમાં રહેશે. ત્યારપછી જ આ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ જટિલ સામાજિક સમસ્યાઓ છે. આમાં માણસ દ્વારા બનાવેલ કોઈપણ ઉપાય સચોટ હોઈ શકે નહીં. અમારો આદેશ હતો કે શાંતિ જળવાઈ રહે. આ કામ વચગાળાના આદેશથી થઈ શકે છે. અમે દેશની એકતા માટે સંયુક્ત મિશન પર છીએ. આ સિવાય રિપોર્ટ લીક થવાના સવાલ પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે એકવાર રિપોર્ટ આવી જાય પછી તેને પસંદ કરીને લીક કરી શકાય નહીં. આ સાથે બેન્ચે નિર્દેશ આપ્યો કે રિપોર્ટ લીક ન થવો જોઈએ. જજ જ તેને ખોલી શકે છે.તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

(5:53 pm IST)