મુખ્ય સમાચાર
News of Monday, 19th February 2018

ન.પા ચૂંટણી : પરિણામ બાદ ભવ્ય ઉજવણીનો દોર રહ્યો

વિજેતા બનેલા ઉમેદવાર દ્વારા વિજયી સરઘસ :અબીલ ગુલાલની છોળો ઉડાડી, ફટાકડા ફોડી, સરઘસ રેલી યોજી ઉજવણી કરવામાં આવી : ભારે ઉત્સાહ રહ્યો

અમદાવાદ,તા. ૧૯ : ગુજરાતની ૭૫ નગરપાલિકાઓના ચૂંટણી પરિણામ આજે જાહેર કરવામાં આવ્યા બાદ ઉજવણીનો દોર શરૂ થયો હતો. વિજેતા થયેલા ઉમેદવારોએ તેમના સમર્થકો સાથે વિજય સરઘસ કાઢ્યા હતા. ફટાકડા ફોડીને ઉજવણી પણ કરવામાં આવી હતી. નગરપાલિકાઓના પરિણામોમાં પણ આજે વિધાનસભા ચૂંટણી જેમ કહીં ખુશી, કહીં ગમના દ્રશ્યો જોવા મળ્યા હતા. વિજેતા ઉમેદવારો અને તેમના સમર્થકો વિજયી સરઘસ, અબીલ-ગુલાલની છોળો ઉડાડતા, ફટાકડા ફોડી સરઘસ-રેલી કાઢતા નજરે પડયા હતા, તો, હારેલા ઉમેદવારો ભારે નિરાશા સાથે ચૂપકીદીથીથી સ્થળ છોડી રવાના થઇ ગયા હતા. આજે સવારે પરિણામ આવવાની શરૂઆત થવાની સાથે જ ઉજવણીની પણ શરૂઆત થઇ ગઇ હતી. મોટાભાગે નગરપાલિકામાં ભગવો લહેરાઈ ગયા બાદ ભાજપના કાર્યકરો ઉત્સાહિત દેખાયા હતા. બીજી બાજુ અનેક જગ્યાઓએ ભાજપ પાસેથી કોંગ્રેસે નગરપાલિકાઓ આંચકી લીધા બાદ આની પણ નોંધ લેવાઈ હતી અને કોંગ્રેસને લોકો પણ ઘણી જગ્યાઓએ ઉજવણી કરતા નજરે પડ્યા હતા. ૭૪ નગરપાલિકામાંથી ભાજપના ફાળે ૪૭ નગરપાલિકાઓ અને કોંગ્રેસને ૧૬ નગરપાલિકાઓમાં સ્પષ્ટ બહુમતી મળી છે. નગરપાલિકાઓની ગત ચૂંટણી કરતાં ભાજપને આ વખતે ૧૪ જેટલી બેઠકોનું નુકસાન થયું છે, જયારે કોંગ્રેસને છથી વધુ નગરપાલિકાનો ફાયદો થયો છે. પરિણામ બાદ ચારેબાજુ ઉજવણીનો દોર દેખાયો હતો. અબીલગુલાલ સાથે ઉજવણીનો દોર ચાલ્યો હતો. વિધાનસભાની જેમ જ નગરપાલિકા ચૂંટણીના પરિણામ પણ તમામની નજર હતી.

(7:40 pm IST)