મુખ્ય સમાચાર
News of Wednesday, 20th January 2021

વર્ક ટૂ હોમ કરનાર લોકોના પગારમાં કાપ આવવાના સંકેત

કોરોના કાળમાં વર્ક ટૂ હોમનું ચલણ ખૂબજ વધ્યું : લેબર મિનિસ્ટ્રી વર્ક ફ્રોમ હોમ કોન્સેપ્ટ ઉપર ડ્રાફ્ટ તૈયાર કરે છે, વિવિધ પક્ષો પાસેથી સૂચનો મંગાવવામાં આવ્યા

નવી દિલ્હી, તા. ૧૯ : કોરોના કાળમાં મોટા ભાગનાં લોકો ઘરેથી કામ કરી રહ્યા છે. જો તમે નાના શહેરમાં રહો છો અને ત્યાંથી કામ કરો છો તો તમારી સેલરીમાં ઘટાડો થઈ શકે છે. સર્વિસ સેક્ટરની કંપનીઓ આવા કર્મચારીઓની સેલરીમાં ઘટાડો કરવા પર વિચાર શરૂ કરી દીધો છે, જે મહાનગરોથી નાના શહેરો તરફ વળ્યા છે. આઈટી/આઈટીએસ, ફાયનાન્સિયલ સર્વિસ અને પ્રોફેશનલ સર્વિસ સેક્ટરના સ્ટાફની સેલરીમાં ઘટાડો થઈ શકે છે.

લેબર મિનિસ્ટ્રી વર્ક ફ્રોમ હોમ કોન્સેપ્ટ પર ડ્રાફ્ટ તેયાર કરી રહી છે. અને આ માટે વિવિધ પક્ષો પાસેથી સૂચનો મંગાવવામાં આવ્યા છે. એચઆર એક્સપર્ટ અને કન્સલ્ટન્સી કંપનીઓ મુજબ નવા નિયમોમાં ઘરેથી કામ કરનાર અમુક કર્મચારીઓની સેલરીમાં કાપ મૂકાઈ શકે છે. નવા નિયમો લાગુ થતાં કંપનીઓને નાના શહેરોમાં ઘરેથી કામ કરનાર પ્રત્યેક કર્મચારીની કોસ્ટ પર ૨૦-૨૫ ટકાની બચત થઈ શકે છે.

જો કે, જે કર્મચારી પોતાના હાલના એડ્રેસ પર જ ઘરેથી કામ કરી રહ્યા છે, તેમના એલાઉન્સમાં ફેરફાર થઈ શકે છે. પણ સેલરીમાં કાપ મૂકવામાં આવશે નહીં. કંપનીઓ પોતાના કર્મચારીઓને વાઈ-ફાઈ અને અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર કોસ્ટ તરીકે નવા પ્રકારના એલાઉન્સ આપી શકે છે. ટ્રાન્સપોર્ટ જેવાં એલાઉન્સ હટાવી શકાય છે.

એચઆર પ્રોફેશનલ્સ મુજબ કંપનીઓ આ વિકલ્પો પર વિચાર કરી રહી છે અને નિયમોને અંતિમ ઓપ આપ્યા બાદ તેના પર નિર્ણય લઈ શકે છે. માનવામાં આવી રહ્યું છે કે નવું લેબર કોડ ૧ એપ્રિલ ૨૦૨૧થી લાગુ થઈ શખે છે. અનેતે મુજબ કંપનીઓ પણ પોતાની રીતે તૈયારીઓ કરી રહી છે. ૨૩ ટકા કંપનીઓ સેલરી નક્કી કરતી વખતે લોકેશનને ધ્યાનમાં રાખે છે.

(12:00 am IST)