મુખ્ય સમાચાર
News of Thursday, 19th May 2022

ચેતના રાજની સર્જરી સેન્ટર પાસે સર્જરીની મંજૂરી ન હતી

કન્નડ અભિનેત્રીનાં મોતમાં નવો ખુલાસો : બેંગ્લુરુમાં તબીબી સારવારના નામે ચાલતાં ધુપ્પલમાં માત્ર ૨૧ વર્ષની એક આશાસ્પદ એકટ્રેસનો ભોગ લેવાયા

મુંબઈ, તા.૧૯ : કન્નડ ટીવી એકટ્રેસ ચેતના રાજનું લીપોસક્શન સર્જરી દરમિયાન તબીબી ગફલતના કારણે મોત થયાના કિસ્સામાં નવો ઘટસ્ફોટ થયો છે. ચેતનાએ જ્યાં સર્જરી કરાવી એ શેટ્ટીઝ કોસ્મેટિક સેન્ટરને આ પ્રકારની સર્જરી કરવાની કોઈ મંજૂરી જ ન હતી. બેંગ્લુરુ જેવાં આધુનિક શહેરમાં તબીબી સારવારના નામે ચાલતાં ધુપ્પલમાં માત્ર ૨૧ વર્ષની એક આશાસ્પદ એકટ્રેસનો ભોગ લેવાઈ ગયો છે.

ચેતના રાજ વધારાની ચરબી દૂર કરાવવાની સર્જરી માટે શેટ્ટીઝ કોસ્મેટિક સેન્ટરમાં ગઈ હતી. ત્યાં તબીબોએ સર્જરીમાં ગફલત કરતાં તેની તબિયત લથડી હતી. ફેફસામાં પાણી ભરાવા સહિતના અનેક કોમ્પલીકેશન્સને લીધે તેનું મોત નીપજયું હતું. આ કેસે કર્ણાટકમાં ભારે ખળભળાટ મચાવી દીધો છે. ચેતનાના પરિવારે આ કોસ્ટમેટિક સેન્ટર સામે પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે. બીજી તરફ કર્ણાટકના આરોગ્ય વિભાગે આ કેસમાં સમાંતર તપાસ હાથ ધરતાં ખ્યાલ આવ્યો છે  કે આ સેન્ટર પાસે માત્ર પોલિક્લિનિક એટલે કે સાદાં દવાખાનાનું જ લાઈસન્સ હતું. તેઓ દર્દીને જોઈ તપાસીને દવા આપી શકે પરંતુ કોઈ પ્રકારે સર્જરી કરી શકે નહીં. લિપોસક્શન એક બહુ જ જટિલ સર્જરી છે તે ઓપીડી ધોરણે થઈ શકે જ નહીં.  તેમ છતાં  કોસ્મેટિક સર્જરીના નામે જટિલ શસ્ત્રક્રિયાનો ખેલ બેધડક ચાલતો હતો.

પોલીસ ફરિયાદમાં મેલ્વિન નામનો એનેસ્થેટિસ્ટ ચેતનાના દેહને લઈને અન્ય હોસ્પિટલમાં પહોંચ્યો હોવાનો ઉલ્લેખ છે. આ મેલ્વિન શેટ્ટીઝ કોસ્મેટિક સેન્ટરના સ્ટાફ લિસ્ટમાં પણ ક્યાં નથી. સેન્ટર દ્વારા સરકારી ચોપડે સમખાવા પુરતા એક જ તબીબની વિગતો અપાઈ છે.

 આ કિસ્સો બહાર આવ્યા પછી સેન્ટરનું શટર ડાઉન કરી દેવાયું છે. આરોગ્ય ખાતાંનો સ્ટાફ સેન્ટર પર શો કોઝ નોટિસ ચોંટાડીને પાછો ફર્યો હતો.ે

(7:52 pm IST)