મુખ્ય સમાચાર
News of Thursday, 19th May 2022

શિવલિંગની સત્યતા ૩૫૨ વર્ષે પ્રજાની સામે આવી

જ્ઞાનવાપી મસ્જિદ વિવાદમાં હિન્દુ પક્ષના વકીલનો દાવો જ્ઞાનવાપી મસ્જિદની તપાસમાં શું-શું નીકળ્યું છે, તેની જાણકારી સર્વેની ૧૨ પાનાના રિપોર્ટમાં નોંધવામાં આવી

નવી દિલ્હી, તા.૧૯ : સર્વે રિપોર્ટમાં સ્પષ્ટ થયું કે મંદિર તોડીને ત્યાં મસ્જિદ બનાવવામાં આવી હતી, શિવલિંગની સત્યતા ૩૫૨ વર્ષ બાદ પ્રજાની સામે આવી છે, જેનો લોકો ફૂવારા તરીકે ઉપયોગ કરી રહ્યા છે તે હકીકતમાં ફૂવારો નહીં પરંતુ શિવલિંગ છે, તેની લંબાઈ અને ઊંડાઈ વધારે હોઈ શકે છે, મંદિરના શિખરની ઉપર તથાકથિત મસ્જિદનો ગુંબજ લગાવી દેવામાં આવ્યો છે.. તસવીરો આવી ગઈ છે કે મોટા ગુંબજની નીચે મંદિરનું ઓરિજિનલ શિખર છે. જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ માં હિન્દુ પક્ષના વકીલ હરિશંકર જૈને આજે આ મોટો દાવો કર્યો છે. એક ટીવી ચેનલ સાથે વાત કરતા જૈને દાવો કર્યો છે કે અહીં હિન્દુ દેવી-દેવતાઓ, સ્વસ્તિક, ઓમનું ચિહ્ન છે.

તેમણે જણાવ્યું કે આજે જે રિપોર્ટ કોર્ટમાં દાખલ કર્યો છે તેમાં તથાકથિત મસ્જિદનો રિપોર્ટ છે, જેમાં ઘણી બાબતેને છૂપાવવાની કોશિશ થઈ છે, તેના પર પીઓપી (પ્લાસ્ટર ઓફ પેરિસ) લગાવવામાં આવ્યું છે, આમ છતાં બધું સાફ દેખાઈ રહ્યું છે. તૂટેલી મૂર્તિઓ મળી છે. પીઓપી પર હાથ રાખવાથી લાગે છે કે તાજો લેપ કરવામાં આવ્યો છે. જૈને કહ્યું કે આ લોકો ભરમાવી રહ્યા છે. વિચારો વજૂની જગ્યા પર શિવલિંગ મૂકી દીધું.. કહે છે ફૂવારો છે. અરે ૩૫૨ વર્ષ પહેલા કોણ ફૂવારો ચલાવતું હતું. તેમાં કોઈ છેદ નથી, પાણી આવવાની જગ્યા નથી.

ટીવી રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે ૩ દિવસની તપાસમાં શું-શું નીકળ્યું છે, તેની જાણકારી જ્ઞાનવાપી સર્વેની ૧૨ પાનાના રિપોર્ટમાં નોંધવામાં આવી છે. સર્વે રિપોર્ટમાં માત્ર ત્રિશૂળ, ડમરુના નિશાન મળ્યા છે. બેસમેન્ટમાં કૂઆનો પણ ઉલ્લેખ કરાયો છે.

જ્ઞાનવાપી મસ્જિદમાં આજે કાશીની જિલ્લા કોર્ટે બીજા તબક્કાનો સર્વે રિપોર્ટ સોંપ્યો છે. ૧૨થી ૧૫ પાનાના આ રિપોર્ટ્સ

મુજબ ૧૯૨૧માં દીન મોહમ્મદવાળા કેસમાં મસ્જિદવાળી જગ્યા પર સરકારી દસ્તાવેજમાં ૩ વૃક્ષ નોંધવામાં આવ્યા છે, જેમાંથી એક ઝાડ આજે નથી. જ્યારે સરકારી મહેસૂલના જે જૂના દસ્તાવેજ છે, તે પણ કાઢવામાં આવ્યા છે અને રિપોર્ટમાં જોડવામાં આવ્યા છે. ડૉ. વિલિયમ એલ્થરના 'કાશી ધ સિટી ઈલષ્ટ્રીયસ' પૂસ્તકના નક્શાનો પણ રિપોર્ટ જોડવામાં આવ્યો છે, કારણ કે વકીલનું માનવું છે કે અંગ્રેજ ના હિન્દુ હતા કે ના મુસલમાન હતા. સર્વે દરમિયાન લેવામાં આવેલી તસવીરોને તે સમયે સીલ કરવામાં આવી હતી અને હવે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વજુ ખોદાણ થવું જોઈએ જેથી હકીકત સામે લાવી શકાય. સર્વે દરમિયાન તમામ તપાસ છતાં ફૂવારા માટે પાણી સપ્લાયની કોઈ જગ્યા મળી નથી. માત્ર એક છેદ મળ્યો છે જે સાબિત કરે છે કે તે ફૂવારો નથી. જ્યારે પાઈપ લાઈનની વાત કરવામાં આવી તો મુસ્લિમ પક્ષ કોઈ પણ પાઈપ લાઈન ના દર્શાવી શક્યો. મહત્વનું છે કે, જ્ઞાનવાપી મસ્જિદ મામલે સુપ્રીમ કોર્ટ અને વારાણસી કોર્ટે આજની સુનાવણી કાલ સુધી ટાળી દીધી છે.

(7:50 pm IST)