મુખ્ય સમાચાર
News of Thursday, 19th May 2022

કોવિડ વેક્સિનની જેમ ઘઉંની તંગી ન સર્જાય એ જરૃરી : ભારત

કેન્દ્રીય વિદેશ રાજ્ય મંત્રી વી. મુરલીધરનની સાફ વાત : ઘઉંની તંગી સર્જાવાથી ખાદ્ય ચીજ-વસ્તુઓની કિંમતોમાં અયોગ્ય વધારાની સાથે તેની જમાખોરી થઈ શકે છે

નવી દિલ્હી, તા.૧૯ :  કેન્દ્રીય વિદેશ રાજ્ય મંત્રી વી. મુરલીધરને ન્યૂયોર્ક ખાતે 'વૈશ્વિક ખાદ્ય સુરક્ષા-કોલ ટુ એક્શન' મુદ્દેની ઉચ્ચ સ્તરીય બેઠકમાં જણાવ્યું કે, કોવિડ વેક્સિનની માફક ઘઉંની તંગી ન સર્જાય તે જરૃરી છે. ઘઉંની તંગી સર્જાવાથી ખાદ્ય ચીજ-વસ્તુઓની કિંમતોમાં અયોગ્ય વધારાની સાથે તેની જમાખોરી થઈ શકે છે.

અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકનની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં કેન્દ્રીય વિદેશ રાજ્ય મંત્રી વી. મુરલીધરને વૈશ્વિક ખાદ્ય અસુરક્ષા મામલે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે, ઓછી આવક ધરાવતા અનેક સમાજ આજે ભાવવધારા અને ખાદ્યાન્ન સુધી પહોંચવામાં મુશ્કેલી એમ બેવડા પડકારોનો સામનો કરી રહ્યા છે. એટલે સુધી કે, ભારત જેવા લોકો પાસે, જેમના પાસે પૂરતો સ્ટોક છે તેમણે પણ ખાદ્ય ચીજ-વસ્તુઓમાં અયોગ્ય વૃદ્ધિ જોઈ છે. સ્પષ્ટ છે કે, જમાખોરી, અટકળોનું કામ ચાલી રહ્યું છે. ગત ૧૩ મેના રોજ કરવામાં આવેલી જાહેરાત બાદ ભારતે પ્રથમ વખત સંયુક્ત રાષ્ટ્રમાં ઘઉંની નિકાસ પરના પ્રતિબંધ મુદ્દે વાતચીત કરી હતી. મુરલીધરને જણાવ્યું કે, ભારત સરકારે ઘઉંની વૈશ્વિક કિંમતોમાં અચાનક થયેલી વૃદ્ધિને માન્યતા આપી છે જેના લીધે અમારી ખાદ્ય સુરક્ષા અને અમારા પાડોશીઓ તથા અન્ય કમજોર દેશોની ખાદ્ય સુરક્ષા જોખમમાં મુકાઈ છે. અમે એ સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છીએ કે, ખાદ્ય સુરક્ષા અંગેના આ પ્રતિકૂળ પ્રભાવ પર પ્રભાવીરૃપે કામ કરવામાં આવે. વધુમાં જણાવ્યું કે, અમારી સમગ્ર ખાદ્ય સુરક્ષાનું પ્રબંધન કરવા અને પાડોશી તથા અન્ય કમજોર વિકાસશીલ દેશોની જરૃરિયાતોનું સમર્થન કરવા માટે અમે ૧૩ મેના રોજ ઘઉંની નિકાસ સંબંધી અમુક ઉપાયોની જાહેરાત કરી છે. જોકે હું સ્પષ્ટતા કરી દઉં કે, આ ઉપાય એવા દેશોના અનુમોદનના આધાર પર નિકાસની મંજૂરી આપે છે જેમના માટે પોતાની ખાદ્ય સુરક્ષા માગણીઓને પૂરી કરવી આવશ્યક છે. આ સંબંધીત સરકારોના અનુરોધ પર કરવામાં આવશે. આવી નીતિ સુનિશ્ચિત કરશે કે અમે હકીકતમાં એવા લોકોને જવાબ આપીએ જેને સૌથી વધારે જરૃર છે.

(7:49 pm IST)