મુખ્ય સમાચાર
News of Thursday, 19th May 2022

ઉદ્યોગપતિ રતન ટાટાએ ફરી એકવાર પોતાની સાદગીથી બધાને મંત્રમુગ્‍ધ કરી દીધાઃ રતન ટાટાનો હોટલ તાજ ખાતેનો વીડિયો વાયરલ

સિમ્‍પલમેન રતન ટાટા કોઇપણ સિક્‍યુરીટી કે વાહનોના કાફલા વગર તાજ હોટેલ પર પહોંચ્‍યાઃ લોકો રતન ટાટાની સાદાઇ જોઇ દિવાના બન્‍યા

મુંબઇઃ દેશની સૌથી મોટી કંપનીઓમાંની એક ટાટા ગ્રુપના ઓનર રતન ટાટાની સાદાઇથી તો સૌ કોઇ વાકેફ છે ત્‍યારે રતન ટાટાની સાદગીનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. જેમાં રતન ટાટા કોઇપણ પ્રકારની સિક્‍યુરીટી વગર તાજ હોટલ તેમની નેનો કારમાં પહોંચ્‍યા હતા. ત્‍યારે તેમની સાથે માત્ર એક જ વ્‍યક્‍તિ હતો. રતન ટાટા હોટલમાં આવ્‍યા હોવાની જાણ થતા મેનેજર સહિતના અધિકારીઓ તેમની પાસે પહોંચ્‍યા હતા ત્‍યારે રતન ટાટાની આ સાદાઇ જોઇ લોકો તેમના દીવાના બન્‍યા હતા.

ટાટા ગ્રૂપના માલિક રતન ટાટા હંમેશાથી તેમની સાદગી અને સરળ જીવનશૈલી માટે જાણીતા છે. માત્ર ભારત જ નહીં દુનિયાભરમાં ટાટા ગ્રૂપ એક પ્રતિષ્ઠિત ઔદ્યોગિક એકમ તરીકે જાણીતું છે. અને તેના સર્વેસર્વા એવા રતન ટાટા પણ બિઝનેસ વર્લ્ડમાં ખુબ જ સમ્માન ધરાવે છે. ત્યારે હાલ સોશિયલ મીડિયામાં રતન ટાટાનો એક વીડિયો વાયરલ થયો છે. વાયુવેગે આ વીડયો સોશ્યિલ પ્લેટફોર્મ પર ફરી રહ્યો છે. ત્યારે આ વીડિયો વિશે વાત કરીશું કે એવું તો આ વીડિયોમાં શું છે. જોકે, એક વાત તો નક્કી છેકે, તમે પણ રતન ટાટાનો આ વીડિયો જોઈને વિચારતા રહી જશો.

ઉદ્યોગપતિ રતન ટાટાએ ફરી એકવાર પોતાની સાદગીથી બધાને મંત્રમુગ્ધ કરી દીધા. રતન ટાટા કોઈપણ સુરક્ષા વિના નેનો કારમાં સવાર થઈને મુંબઈની તાજ હોટેલ પહોંચી ગયાં. રતન ટાટા નેનોમાં બેસીને તાજ હોટલ પર પહોંચ્યા એ વખતનો વીડિયો સોશિયિલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. લોકો તેમની આ પ્રકારની સાદગી જોઈને તેમના ફેન બની ગયા છે. આ પહેલાં પણ એકવાર તેઓ જમીન પર નીચે બેસ્યા હતા તેઓ સાદગી સભર ફોટો સોશિયલ મીડિયા પર ફરતો થયો હતો. અવારનવાર તેમની આવી રોચક તસવીરો જોવા મળતી હોય છે.

આ વીડિયોમાં રતન ટાટા સફેદ રંગની ટાટા નેનોમાં સવારી કરતા જોવા મળે છે. આ વીડિયોમાં તેમની સાથે માત્ર શાંતનુ નાયડ જ જોવા મળે છે. તેમજ તાજ હોટલનો સ્ટાફ પણ ત્યાં દોડી આવ્યાં હતાં. ટાટા ગ્રુપના ઓનરરી ચેરમેન હોવા છતાં તેમની સાથે ન તો વધારે સુરક્ષા છે કે ન તો વાહનોનો કાફલો. રતન ટાટા ટાટા નેનોને ખૂબ પસંદ કરે છે. આ કાર તેમનો ડ્રિમ પ્રોજેક્ટ છે. થોડા દિવસો પહેલા, તેમણે ટાટા નેનો સંબંધિત એક સુંદર પોસ્ટ શેર કરી હતી.

રતન ટાટાએ તેમની પોસ્ટમાં લખ્યું - હું સતત ભારતીય પરિવારોને સ્કૂટર પર મુસાફરી કરતા જોતો હતો, જ્યાં ઘણીવાર બાળક માતા અને પિતા વચ્ચે સેન્ડવીચની જેમ બેઠું હતું. કેટલીકવાર તે સરળ અને લપસણો રસ્તાઓ પર પણ આ રીતે જતો હતો. આ મુખ્ય કારણ હતું જેણે મારામાં આવા વાહન (નેનો) બનાવવાની ઈચ્છા જગાવી અને મને પ્રોત્સાહિત કર્યો. તેણે આગળ લખ્યું- સ્કૂલ ઓફ આર્કિટેક્ચરમાં ભણવાનો ફાયદો મળ્યો. હું નવી ડિઝાઇન પર કામ કરવાનો પ્રયાસ કરી શકું છું. શરૂઆતમાં 2-વ્હીલરને સુરક્ષિત બનાવવાનો વિચાર હતો. આ માટે એક ડિઝાઇન તૈયાર કરવામાં આવી હતી જે 4-વ્હીલર હતી, પરંતુ તેમાં ન તો કોઈ દરવાજો હતો કે ન તો કોઈ બારી. પરંતુ અંતે મેં નક્કી કર્યું કે તે એક કાર હશે. નેનો કાર હંમેશા આપણા બધા લોકો માટે બનાવવામાં આવી હતી.

ટાટા નેનો 2008માં લોન્ચ થઈ હતી-

ટાટા નેનો, જે 'કોમન મેન્સ કાર' તરીકે જાણીતી છે, તેને ટાટા ગ્રૂપ દ્વારા 10 જાન્યુઆરી, 2008ના રોજ લોન્ચ કરવામાં આવી હતી. તે તે સમયના BS-3 સ્ટાન્ડર્ડ અનુસાર ડિઝાઇન કરવામાં આવી હતી. તે 624cc 2-સિલિન્ડર પેટ્રોલ એન્જિન અને 4-સ્પીડ ગિયરબોક્સ દ્વારા સંચાલિત હતું. કંપનીએ તેને 3 વેરિઅન્ટમાં લોન્ચ કર્યો છે. કંપનીએ તેની પ્રારંભિક કિંમત 1 લાખ રૂપિયા રાખી હતી.

(5:43 pm IST)