મુખ્ય સમાચાર
News of Thursday, 19th May 2022

કોંગ્રેસને ‘ગુડબાય' કહેનારા સુનિલ જાખડ ભાજપમાં જોડાયા

સુનિલ જાખડે ભાજપના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ જેપી નડ્ડાના હાજરીમાં આજે દિલ્‍હીમાં પાર્ટીની સદસ્‍યતા લીધી

નવી દિલ્‍હી, તા.૧૯: કોંગ્રેસ છોડી ચૂકેલા પંજાબના દિગ્‍ગજ રાજનેતા સુનિલ જાખડ આજે ભાજપમાં જોડાઈ ગયા. સુનિલ જાખડે ભાજપન રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ જેપી નડ્ડાની હાજરીમાં આજે દિલ્‍હીમાં પાર્ટીની સદસ્‍યતા લીધી.

અત્રે જણાવવાનું કે સુનિલ જાખડે ૧૪મી મેના રોજ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્‍યું હતું. જો કે પંજાબ વિધાનસભા ચૂંટણી સમયથી જ કોંગ્રેસ સાથેના મતભેદો ચર્ચાના ચગડોળે ચડ્‍યા હતા. પંજાબમાં કેપ્‍ટન અમરિન્‍દર સિંહના રાજીનામા બાદ જ્‍યારે પાર્ટીએ ચરણજીત સિંહ ચન્નીને સીએમ બનાવ્‍યા ત્‍યાર બાદ જાખડે અનેકવાર નિવેદન આપીને નારાજગી વ્‍યક્‍ત કરી હતી. જો કે તે સમયે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ તેમને મનાવવાની કોશિશ કરી હતી.

વાત જાણે એમ છે કે AICC ની અનુશાસનાત્‍મક પેનલે ૨૬ એપ્રિલના રોજ આ દિગ્‍ગજ નેતાને પાર્ટીમાંથી ૨ વર્ષ માટે સસ્‍પેન્‍ડ  કર્યા હતા. તેમણે પંજાબના પૂર્વ મુખ્‍યમંત્રી ચરણજીત સિંહ ચન્નીની ટીકા કરી હતી. સુનિલ જાખડે રાજીનામાની જાહેરાત કરતી વખતે કોંગ્રેસના ચિંતન શિબિર પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે આ રીતે ચિંતન શિબિર લગાવવાથી કઈ થશે નહીં. કોંગ્રેસની ચિંતન શિબિર માત્ર ઔપચારિક હતી. કોંગ્રેસને ચિંતા શિબિરની જરૂર છે.

(3:33 pm IST)