મુખ્ય સમાચાર
News of Thursday, 19th May 2022

ખતરનાક બની રહ્યો છે મંકીપોકસ વાયરસઃ બ્રિટન પછી હવે અમેરિકામાં પણ સંક્રમણની પુષ્ટિ

વિશ્વમાં કોરોના વાયરસનું સંકટ હજુ સમાપ્ત થયું નથી ત્યાં વધુ એક ખતરનાક વાયરસે લોકોને ડરાવવાનું શરૃ કર્યું : વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) અનુસાર, વર્ષ ૧૯૭૦માં મનુષ્યોમાં સૌપ્રથમવાર મંકીપોકસના ચેપના કેસ નોંધાયા હતાઃ ત્યારથી, ૧૧ આફ્રિકન દેશોમાં આ ચેપની પુષ્ટિ થઈ છે

વોશિંગ્ટન, તા.૧૯: વિશ્વમાં કોરોના વાયરસનું સંકટ હજુ સમાપ્ત થયું નથી ત્યાં વધુ એક ખતરનાક વાયરસે લોકોને ડરાવવાનું શરૃ કર્યું છે. આ જીવલેણ વાયરસનું નામ મંકીપોકસ છે જે પહેલા બ્રિટનમાં જોવા મળ્યું હતું પરંતુ હવે અમેરિકામાં પણ પ્રથમ કેસની પુષ્ટિ થઈ છે. સીડીસી અનુસાર, યુએસ શહેર ટેકસાસમાં મંકીપોકસ વાયરસ ચેપનો એક દુર્લભ કેસ નોંધાયો છે. અગાઉ વર્ષ ૨૦૦૩માં અમેરિકાના કેટલાક શહેરોમાં મંકીપોકસનો પ્રકોપ જોવા મળ્યો હતો. સીડીસી દ્વારા શેર કરવામાં આવેલી માહિતી અનુસાર, જે વ્યકિતને મંકીપોકસ હોવાની પુષ્ટિ થઈ છે તે તાજેતરમાં નાઈજીરિયાથી યુએસ ગયો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ચેપગ્રસ્ત વ્યકિતના સંપર્કમાં આવેલા અન્ય ઘણા લોકોને પણ ચેપનું જોખમ હોઈ શકે છે, તેની તપાસ કરવામાં આવી રહી છે. આરોગ્ય નિષ્ણાતોના મતે, દુર્લભ મંકીપોકસ વાયરસ ચિકનપોકસ વાયરસ પરિવારનો છે. તેનું ઈન્ફેકશન ખૂબ ગંભીર પણ હોઈ શકે છે. આ ચેપને ચેપગ્રસ્ત વ્યકિતના શરીર પરના મોટા દાણાના આધારે ઓળખી શકાય છે. ચાલો જાણીએ તેમના મુખ્ય લક્ષણો શું છે...

ડબ્લ્યુએચઓ અનુસાર, મંકીપોકસ ચેપનો સેવન સમયગાળો (ચેપથી લક્ષણોની શરૃઆત સુધી) સામાન્ય રીતે ૬ થી ૧૩ દિવસનો હોય છે, જો કે કેટલાક લોકોમાં તે ૫ થી ૨૧ દિવસ જેટલો લાંબો હોઈ શકે છે. ચેપગ્રસ્ત વ્યકિત તાવ, ગંભીર માથાનો દુખાવો, લિમ્ફેડેનોપથી (લસિકા ગાંઠોનો સોજો), પીઠ અને સ્નાાયુઓમાં દુખાવો સાથે ગંભીર નબળાઇ અનુભવી શકે છે. સોજો લસિકા ગાંઠોની સમસ્યા એ સૌથી સામાન્ય લક્ષણ માનવામાં આવે છે. આ ઉપરાંત, દર્દીના ચહેરા અને હાથ અને પગ પર મોટા કદના ફોલ્લીઓ હોઈ શકે છે. કેટલાક ગંભીર ચેપમાં, આ ફોલ્લીઓ આંખના કોર્નિયાને પણ અસર કરી શકે છે. સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે મંકીપોકસથી મૃત્યુઆંક ૧૧ ટકા સુધીનો હોઈ શકે છે. ચેપ ધરાવતા નાના બાળકોમાં મૃત્યુનું જોખમ વધારે હોય છે.

સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે, આ ચેપ મંકીપોકસ નામના વાયરસથી થાય છે. આ વાયરસ ઓર્થોપોકસ વાયરસ જૂથનો છે. આ જૂથના અન્ય સભ્યો માનવોમાં શીતળા અને કાઉપોકસ જેવા ચેપનું કારણ બને છે. ડબ્લ્યુએચઓ અનુસાર, એક વ્યકિતથી બીજી વ્યકિતમાં મંકીપોકસના ચેપના બહુ ઓછા કેસ છે. ચેપગ્રસ્ત વ્યકિતની છીંક અને ઉધરસમાંથી નીકળતા ટીપાં, ચેપગ્રસ્ત વ્યકિતની ચામડીના ચાંદા અથવા ચેપગ્રસ્ત વ્યકિતના નજીકના સંપર્કને કારણે અન્ય લોકોમાં ચેપ ફેલાવવાની સંભાવના છે.

(3:31 pm IST)