મુખ્ય સમાચાર
News of Thursday, 19th May 2022

ભાજપને કઇ રીતે હરાવી શકાય ?

પ્રશાંત કિશોરે દર્શાવી ફોર્મ્‍યુલા

નવી દિલ્‍હી,તા. ૧૯: તાજેતરમાં ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરને લઈને ઘણી ચર્ચા થઈ હતી કે તેઓ કોંગ્રેસ સાથે જઈ શકે છે. આ ચર્ચા પર પૂર્ણવિરામ મુકતા પ્રશાંત કિશોરે ટ્‍વીટ કરીને સ્‍પષ્ટ કર્યું કે તેઓ કોંગ્રેસ સાથે નથી જઈ રહ્યા. હવે તેઓ ૨જી ઓક્‍ટોબરથી બિહારમાં પદયાત્રા શરૂ કરવા જઈ રહ્યા છે. પ્રશાંત કિશોરે તાજેતરમાં એક ટીવી ચેનલ સાથે આ તમામ વિષયો પર ચર્ચા કરી હતી.

જયાં તેમને પૂછવામાં આવ્‍યું કે ભાજપને કેવી રીતે હરાવી શકાય? તેના જવાબમાં પ્રશાંત કિશોર દ્વારા કહેવામાં આવ્‍યું હતું કે પેટ્રોલ પંપ પર ઘણા લોકો મોંઘવારી નથી એવું કહેતા જોવા મળે છે. તેઓ કહે છે કે આનાથી દેશનું નિર્માણ થઈ રહ્યું છે. ભાજપના નેતૃત્‍વના વખાણ કરતા પ્રશાંત કિશોરે કહ્યું કે તેઓ એ સંદેશ આપવામાં સફળ રહ્યા છે કે આપણે બધાએ રાષ્ટ્ર નિર્માણ માટે કંઈક કરવાનું છે.

વિપક્ષની નિષ્‍ફળતાનું કારણ આપતાં તેમણે કહ્યું કે વિરોધ પક્ષો તેનો સામનો કરવામાં સક્ષમ નથી. એન્‍કરે તેમને પૂછ્‍યું કે શું ભાજપને હરાવી શકાય નહીં? પ્રશાંત કિશોરે કહ્યું કે, ‘ભાજપ બધી ચૂંટણીઓ જીતી નથી રહી, બીજેપીને ઘણા રાજયોમાં અન્‍ય પાર્ટીઓથી હાર મળી છે અને તેને ૪૦% વોટ મળી રહ્યા છે' આમ છતાં ભાજપને માત્ર ૪૦% વોટ મળ્‍યા.

પોતાનો મુદ્દો આગળ વધારતા તેમણે કહ્યું કે તેનો અર્થ એ છે કે ૧૦૦ માંથી ૬૦ લોકો તેમની નીતિઓથી પ્રભાવિત થયા નથી. પ્રશાંત કિશોરે કહ્યું કે જો બીજેપીને હરાવવી હોય તો હરાવી શકાય છે. દેશમાં ઉભા થયેલા મુદ્દાને તમે કેવી રીતે આગળ લઈ શકો છો, તે વિપક્ષ પર નિર્ભર છે. જયારે પ્રશાંત કિશોરને પૂછવામાં આવ્‍યું કે તમે રાજકારણમાં લોકોનો વિશ્વાસ કેવી રીતે જીતશો?

ચૂંટણી રણનીતિકારે કહ્યું કે જનતાનો વિશ્વાસ જીતવા માટે કામ કરવું પડશે. આવનારા સમયમાં મારા દ્વારા જે પણ કામ થશે, તેના આધારે લોકો મારા પર વિશ્વાસ કરશે. અન્‍ય નેતાઓ વિશે જણાવવા પર તેમણે કહ્યું કે મેં હજી રાજકારણમાં પ્રવેશ કર્યો નથી, અન્‍ય લોકો રાજકારણના ખૂબ જ અનુભવી ખેલાડીઓ છે. જયારે પ્રશાંત કિશોરને પીએમ મોદી અને મમતા બેનર્જી વચ્‍ચેનો તફાવત પૂછવામાં આવ્‍યો તો તેણે કહ્યું કે મને બંને નેતાઓ સાથે કામ કરવામાં ક્‍યારેય કોઈ સમસ્‍યા નથી થઈ.

(11:42 am IST)