મુખ્ય સમાચાર
News of Thursday, 19th May 2022

કેરળમાં એક્સપ્રેસ ટ્રેનનું એન્જિન થયું ડબ્બાથી અલગ: બોગી વગર દોડી ટ્રેન

રેલ્વે ટ્રેક પર ટ્રેનનું એન્જિન તેના ડબ્બાથી અલગ થઇને અમુક અંતર સુધી પાટા પર દોડવાની ઘટનાએ થોડા સમય માટે લોકોના જીવ તાળવે ચોંટ્યા

નવી દિલ્હી :રેલ્વે ટ્રેક પર ટ્રેનનું એન્જિન તેના ડબ્બાથી અલગ થઇને અમુક અંતર સુધી પાટા પર  દોડવાની ઘટનાએ થોડા સમય માટે લોકોના જીવને મુશ્કેલીમાં મુકી દીધા હતા. જો કે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા રેલ્વે કર્મચારીઓએ પરિસ્થિતિને કાબુમાં લીધી અને અલગ પડેલી બોગીઓને ફરીથી જોડીને ટ્રેક પર ટ્રેનોની અવરજવર ચાલુ કરી.

રેલ્વે અધિકારીઓએ જણાવ્યું કે મંગળા એક્સપ્રેસનું એન્જિન બુધવારે કેરળના ત્રિશૂર જિલ્લામાં તેની બોગીથી અલગ થઈ ગયું અને બોગી વગર કેટલાક અંતર સુધી દોડ્યું. આ ટ્રેન નવી દિલ્હીના નિઝામુદ્દીનથી કેરળના એર્નાકુલમ સુધી ચલાવવામાં આવી હતી. રેલવે અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટના પુનકુનમ અને થ્રિસુર રેલવે સ્ટેશન વચ્ચે બની હતી.

તેમણે કહ્યું કે લોકોમોટિવ અલગ થયા પછી તરત જ બંધ થઈ ગયું અને બધા કોચને પાછળ છોડીને થોડા મીટર આગળ વધ્યું. અધિકારીઓએ જણાવ્યું હતું કે તે 10 મિનિટમાં ફરીથી કનેક્ટ થયું હતું અને સેવા ફરી શરૂ થઈ હતી. તેમણે કહ્યું કે આ ઘટનાને કારણે મુસાફરોને કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડ્યો નથી. લોકમોટીવની તપાસ બાદ ઘટનાનું ચોક્કસ કારણ જાણી શકાશે.

(1:12 am IST)