મુખ્ય સમાચાર
News of Monday, 18th October 2021

ગૃહમંત્રી અમિતભાઈ શાહે તમામ DGP, IGP, અર્ધલશ્કરી દળોના DG સાથે બેઠક યોજી:સુરક્ષા મામલે 6 કલાક વિચાર-વિમર્શ કર્યો

ગુપ્તચર વિભાગ સાથે વધુ સારા સંકલન દ્વારા પોલીસને કેવી રીતે વધુ કાર્યક્ષમ બનાવી શકાય તે મુદ્દે પણ ચર્ચા કરાઈ

નવી દિલ્હી :કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે તમામ DGP, IGP, અર્ધલશ્કરી દળોના મહાનિર્દેશકો (DG) સાથે લગભગ 6 કલાક સુધી બેઠક યોજી હતી. આ પ્રકારની આ પ્રથમ બેઠક હતી, જે કોઈ પણ ગૃહમંત્રી દ્વારા લેવામાં આવી હતી. સામાન્ય રીતે વડાપ્રધાન વર્ષમાં એકવાર આવી બેઠક લેતા આવ્યા છે. હવેથી, વર્ષમાં આવી બે બેઠકો યોજાશે, જેમાં એક બેઠકની અધ્યક્ષતા વડાપ્રધાન મોદી અને બીજી ગૃહમંત્રી પોતે કરશે.

આ બેઠકમાં સુરક્ષા સંબંધિત તમામ વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે વર્તમાન સમયમાં આધુનિક પોલીસિંગની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ બેઠકમાં ગુપ્તચર વિભાગ સાથે વધુ સારા સંકલન દ્વારા પોલીસને કેવી રીતે વધુ કાર્યક્ષમ બનાવી શકાય તે મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી હતી. નોંધનીય છે કે જમ્મુ -કાશ્મીરમાં આતંકવાદીઓના વધતા આતંક વચ્ચે આ બેઠક થઈ છે.

ગૃહમંત્રી અમિતભાઈ  શાહ ખુદ એક્શનમાં જોવા મળી રહ્યા છે. આ બેઠકમાં DGP, IG, સુરક્ષા એજન્સીઓના વડાઓ ઉપરાંત કેન્દ્રીય ગૃહ સચિવ અજયકુમાર ભલ્લા પણ આ બેઠકમાં હાજર હતા. આ સાથે કેટલાક સંવેદનશીલ જિલ્લાઓના SSP અને કાશ્મીરના DG પણ હાજર હતા.

ગૃહમંત્રી અમિતભાઈ  શાહની કાશ્મીર મુલાકાત પૂર્વનિર્ધારિત સમયપત્રક મુજબ નક્કી છે, પરંતુ સૂત્રો જણાવી રહ્યા છે કે ગૃહ મંત્રાલયે CRPFના DG કુલદીપ સિંહને જમ્મુ -કાશ્મીર મોકલ્યા છે. કુલદીપ સિંહ NIAના DG પણ છે. IB, NIA, આર્મી, CRPFના વરિષ્ઠ અધિકારીઓ અત્યારે જમ્મુ -કાશ્મીરમાં કેમ્પ કરી રહ્યા છે. સાથે દરેક ઇન્ટેલિજન્સ ઇનપુટનું નિરીક્ષણ પણ કરી રહ્યા છે.

(12:54 am IST)