મુખ્ય સમાચાર
News of Wednesday, 18th May 2022

યોગી સરકારનો નવા મદરેસાઓને ગ્રાન્ટ નહિ આપવાના નિર્ણય પર વિપક્ષના આકરા પ્રહાર

ભાજપ વાસ્તવિક મુદ્દાઓ પરથી જનતાનું ધ્યાન હટાવવા માંગે છે અને શિક્ષણમાં પણ નફરતની રાજનીતિને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરે છે

ઉત્તર પ્રદેશની યોગી સરકારે નિર્ણય લીધો છે કે હવે  નવા મદરેસાઓને કોઈ ગ્રાન્ટ આપવામાં  નહીં આવે.  યોગી કેબિનેટની બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવ્યો છે. હાલમાં રાજ્યમાં 558 મદરેસાઓને સરકારી ગ્રાન્ટ આપવામાં આવી રહી છે.સમાજવાદી પાર્ટીના પ્રવક્તા અનુરાગ ભદૌરિયાએ યોગી સરકારના આ નિર્ણય પર નારાજગી વ્યક્ત કરી છે. તેમનો પ્રશ્ન છે કે જો મદરેસા તમામ માપદંડો પૂરા કરે છે તો ગ્રાન્ટ આપવામાં શું વાંધો છે?

તેમણે કહ્યું, “ભારતીય જનતા પાર્ટી વાસ્તવિક મુદ્દાઓ પરથી લોકોનું ધ્યાન હટાવી રહી છે. હવે શિક્ષણમાં પણ નફરતનું રાજકારણ ચલાવાઇ રહ્યુ છે. જો મદરેસા ધોરણને પૂર્ણ કરે તો અનુદાન આપવામાં શું વાંધો છે? જો તમારે મદરેસામાંથી પણ ડૉક્ટર-એન્જિનિયર જોઇતા હોય તો તમે આવો ભેદભાવ કરો એ કેટલો યોગ્ય ? સરકારની જવાબદારી બને છે કે જો મદરેસા ધારાધોરણ પૂર્ણ કરે તો તમારે મદદ કરવી જોઈએ કારણ કે ભારતના બાળકો પણ ત્યાં ભણે છે.

સપા નેતાએ કહ્યું કે સરકાર આવું એટલા માટે કરી રહી છે કારણ કે તે નફરતની રાજનીતિને પ્રોત્સાહન આપવા માંગે છે અને શિક્ષણમાં પણ નફરતની વાત કરવા માંગે છે, તે ભારત માટે ચિંતાનો વિષય છે. સરકાર શિક્ષણની સાથે ધર્મ અને જાતિનું રાજકારણ કરે છે. દેશમાં ઘણા મુદ્દાઓ છે, તેઓ તેમની ચર્ચા કરતા નથી અને જ્ઞાનવાપી, તાજમહેલ, કુતુબમિનારના મુદ્દાઓ લાવે છે.

(12:21 am IST)