મુખ્ય સમાચાર
News of Wednesday, 18th May 2022

વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદ, કુતુબ મિનાર અને તાજમહેલ બાદ હવે દિલ્હીની જામા મસ્જિદ પણ હિન્દુ સંગઠનોના નિશાના પર : જામા મસ્જિદની નીચે દેવી-દેવતાઓની મૂર્તિઓ છે : હિન્દુ મહાસભાનો દાવો : વડાપ્રધાન તથા ગૃહમંત્રીને પત્ર લખ્યો

ન્યુદિલ્હી : વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદ, કુતુબ મિનાર અને તાજમહેલ બાદ હવે દિલ્હીની જામા મસ્જિદ પણ હિન્દુ સંગઠનોના નિશાના પર આવી છે. હિન્દુ મહાસભાના પ્રમુખ સ્વામી ચક્રપાણીએ દાવો કર્યો છે કે જામા મસ્જિદની નીચે હિન્દુ દેવી-દેવતાઓની મૂર્તિઓ છે. આના પર તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રીને પત્ર લખીને જામા મસ્જિદના પ્લેટફોર્મ અને સીડીઓ ખોદીને તેમને ખોલાવવાની અપીલ કરી છે.

સ્વામી ચક્રપાણીએ શાહી ઈમામ પાસે જામા મસ્જિદમાં ખોદકામ કરવાની પરવાનગી માંગી. તેમણે કહ્યું કે સત્ય જે પણ હશે તે લોકોની સામે આવશે. વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદમાં શિવલિંગ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે ત્યારે હિન્દુ મહાસભાએ આ માંગણી કરી છે. જોકે, અત્યારે હિન્દુ પક્ષ અને મુસ્લિમ પક્ષ અલગ-અલગ દાવાઓ કરે છે.

તમને જણાવી દઈએ કે આ પહેલીવાર નથી જ્યારે સ્વામી ચક્રપાણીએ આવું નિવેદન આપ્યું હોય. આ પહેલા પણ તેમણે માંગ કરી હતી કે દિલ્હીનું નામ બદલીને ઈન્દ્રપ્રસ્થ કરવું જોઈએ, કારણ કે નામનું ઘણું મહત્વ છે. જો દિલ્હીનું નામ બદલીને ઈન્દ્રપ્રસ્થ કરવામાં આવે તો દિલ્હીમાં વરસાદ થશે અને દિલ્હીમાં સમૃદ્ધિ આવશે. જ્યારે દેશની રાજધાની ખુશ હશે તો આખો દેશ ખુશ થશે તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

(6:11 pm IST)