મુખ્ય સમાચાર
News of Wednesday, 18th May 2022

દીકરીની હત્‍યાના આરોપમાં જેલમાં બંધ ઈન્‍દ્રાણી મુખર્જીને ૬.૫ વર્ષ પછી સુપ્રીમે આપ્‍યા જામીન

બહુચર્ચિત શીના બોરા હત્‍યાકાંડમાં સુપ્રીમ કોર્ટે ચુકાદો સંભળાવ્‍યો : રાહુલ મુખર્જી સાથે શીના બોરાના પ્રેમ સંબંધને કારણે હત્‍યા કરવામાં આવી હતી

મુંબઈ, તા.૧૮: શીના બોરા હત્‍યાકાંડના મુખ્‍ય આરોપી ઈન્‍દ્રાણી મુખર્જીને સુપ્રીમ કોર્ટે બુધવારના રોજ સાડા છ વર્ષ પછી જામીન આપ્‍યા છે. તેઓ પોતાની દીકરી શીના બોરાની કથિત હત્‍યાના કેસમાં જેલની સજા કાપી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ઈન્‍દ્રાણી ઓગસ્‍ટ, ૨૦૧૫થી મુંબઈની ભાયખલા જેલમાં બંધ છે. આ કેસમાં જામીનનો વિરોધ કરતાં સીબીઆઈ દ્વારા દલીલ કરવામાં આવી હતી કે, ઈન્‍દ્રાણી મુખર્જીએ પોતાની જ દીકરીની હત્‍યાની યોજના ઘડી હતી. તે આ જઘન્‍ય અપરાધના આરોપી છે અને તેમના પ્રત્‍યે કડક વલણ જ રાખવું જોઈએ.

સુપ્રીમ કોર્ટની પીઠે કહ્યું કે, અરજી કરનાર વિરુદ્ધ આરોપ છે કે તેમણે પોતાની દીકરીનો રાહુલ મુખર્જી સાથે -ેમ સંબંધ હોવાને કારણે તેની હત્‍યાનું ષડયંત્ર રચ્‍યુ હતું. અમે અરજીકર્તાના ગુણ-દોષ પર ટિપ્‍પણી નથી કરી રહ્યા. જો ફરિયાદી પક્ષી ૫૦ ટકા સાક્ષી પણ હાજર કરે છે તો આ કેસ વહેલીતકે પૂરો નથી થવાનો. નીચલી અંદાલત સંતુષ્ઠ હશે તો જામીન પર છોડવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે ઈન્‍દ્રાણી મુખર્જીએ સીબીઆઈને એક પત્ર મોકલ્‍યો હતો. પત્રમાં લખ્‍યુ હતું કે, શીના બોરા જીવિત છે. આ સિવાય તેમણે દાવો કર્યો હતો કે જેલમાં એક કેદીએ તેમને જણાવ્‍યુ હતું કે તેની મુલાકાત કાશ્‍મીરમાં શીના બોરા સાથે થઈ હતી. તમને જણાવી દઈએ કે શીના બોરા ઈન્‍દ્રાણી મુખર્જીના પ્રથમ પતિની દીકરી હતી. ૨૪ એપ્રિલ ૨૦૧૨ના રોજ ગળુ દબાવીને તેની હત્‍યા કરવામાં આવી હતી અને મળતદેહને સળગાવી દેવામાં આવ્‍યો હતો. આ સમગ્ર મામલો ૨૦૧૫માં સામે આવ્‍યો હતો.

પ્રાપ્ત જાણકારી અનુસાર, શીના બોરાની હત્‍યા સાવકા ભાઈ સાથેના પ્રેમપ્રકરણ અને સંપત્તિના વિવાદને કારણે થઈ હતી. ઉલ્લેખનીય છે કે પીટર મુખર્જીના પ્રથમ પત્‍ની સાથેના દીકરાનું નામ રાહુલ છે, જેની સાથે શીનાનું અફેર હતું. આ વાતથી ઈન્‍દ્રાણી અને પીટર મુખર્જી ખુશ નહોતા. વર્ષ ૨૦૧૨માં આ હત્‍યા કરવામાં આવી હતી. બે વર્ષ સુધી લોકો સમજતા હતા કે શીના અભ્‍યાસ માટે અમેરિકા ગઈ છે. પરંતુ વર્ષ ૨૦૧૫માં પોલીસને જાણકારી મળી કે શિનાની હત્‍યા થઈ ગઈ છે. ઈન્‍દ્રાણી મુખર્જી પર આરોપ છે કે તેમણે ડ્રાઈવર શ્‍યામ મનોહર રાય અને અન્‍ય એક વ્‍યક્‍તિની મદદથી શીનાની હત્‍યા કરી હતી.

ઉલ્લેખનીય છે કે પૂર્વ મીડિયા દિગ્‍ગજ પીટર મુખર્જીની પણ આ ષડયંત્રમાં ભાગ લીધો હોવાના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી. ફેબ્રુઆરી ૨૦૨૦માં તેમને જામીન આપવામાં આવ્‍યા હતા. જો કે જેલમાં સજા કાપી રહ્યા હતા તે દરમિયાન જ તેમણે ઈન્‍દ્રાણી મુખર્જી સાથે છૂટાછેડા લઈ લીધા હતા.

(4:03 pm IST)