મુખ્ય સમાચાર
News of Wednesday, 18th May 2022

એપ્રીલ મહિનામાં ટ્રેકટરના વેચાણમાં વધારો

સારી ફસલના કારણે કેશ ફલો વધતા વેચાણ ૪૩ ટકા વધ્યુ

મુંબઇ, તા.૧૮: લાંબા સમય સુધી માંગ ઘટેલી રહ્યા પછી, રવી પાક સારો થવાથી કેશ ફલો વધવાના કારણે એપ્રિલ મહિનામાં ટ્રેકટરના વેચાણમાં ઉછાળો આવ્યો છે.

ટ્રેકટર ઉત્પાદકો હાલની માંગ જળવાઇ રહેશે તેવી આશા સાથે પોતાનું ઉત્પાદન આગામી બે મહીના માટે ૨૫-૩૦ ટકા વધારવાનું આયોજન કરી રહ્યા છે.

સતત ૮ મહિના સુધી વેચાણમાં ઘટાડા પછી ટ્રેકટરના વેચાણમાં એપ્રિલ મહિનામાં ૪૧ ટકા જેવો મોટો વધારો જોવા મળ્યો છે.

ટ્રેકટર ઉત્પાદકોને માલ સપ્લાય કરનાર કંપનીના એક સીનીયર અધિકારીએ કહ્યું કે મે મહીનાનું ઉત્પાદન શેડયુલ એપ્રિલ કરતા ૩૦ ટકા અને માર્ચ કરતા ૫૦ ટકા વધારે કરાયું છે અને અમારી કંપનીની આ વધેલી માંગને પહોંચી વળવાની પુરી તૈયારી છે.

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના ફાર્મ ઇકવીપમેન્ટ બીઝનેસના પ્રેસીડેન્ટ હેમંત સીક્કાએ કહ્યું એપ્રિલ ૨૦૨૨એ કંપનીના ઇતિહાસમાં સૌથી સફળ એપ્રિલ છે. આ મહિનામાં ૮૯૦૦૦ ટ્રેકટરો વેચાયા છે. જેણે આ પહેલા ૨૦૧૯ના એપ્રિલના ૬૬૭૦૦ ટ્રેકટરોના વેચાણનો રેકોર્ડ તોડી નાખ્યો છે.

(1:20 pm IST)