મુખ્ય સમાચાર
News of Wednesday, 18th May 2022

બેંગ્‍લોરમાં મુશળધાર વરસાદ : રસ્‍તાઓ તળાવ બની ગયા : ઘૂંટણ સુધી પાણી

પાણી ભરાવાને કારણે અનેક વિસ્‍તારોમાં ટ્રાફિકજામ થયો હતો

બેંગ્‍લોર તા. ૧૮ : મંગળવારે બેંગલુરૂમાં ખુશનુમા વાતાવરણ અચાનક મુશ્‍કેલીમાં ફેરવાઈ ગયું. વરસાદ બાદ પાણી ભરાવાથી જનજીવન અસ્‍તવ્‍યસ્‍ત થઈ ગયું છે. રહેણાંક વિસ્‍તારોમાં પાણી ભરાઈ ગયા છે. રસ્‍તાઓ પર પાર્ક કરેલી ગાડીઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. અનેક ઘરોમાં પાણી ઘુસી ગયા છે. અનેક વિસ્‍તારોમાં સર્વત્ર પાણી જ પાણી દેખાય છે.

લોકોએ સોશિયલ મીડિયા પર જે વીડિયો અને ફોટો મુક્‍યા છે તેમાં સ્‍થિતિની ગંભીરતા સ્‍પષ્ટ દેખાઈ રહી છે. એક વીડિયોમાં મર્સિડીઝ અડધી પાણીમાં ડૂબેલી દેખાઈ રહી છે. તેના બે પૈડા હવામાં છે. અનેક જગ્‍યાએ કાર, બસ અને અન્‍ય વાહનો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. પાણી ભરાવાને કારણે અનેક વિસ્‍તારોમાં ટ્રાફિક જામ થયો હતો.

મીડિયા રિપોર્ટ્‍સ અનુસાર, વરસાદ એટલો જોરદાર હતો કે મૌર્ય રોડ, ચિકપેટ, સુલતાનપેટ અને નાગરથપેટ પર ૪ ફૂટ ૩ ફૂટ પાણી ભરાઈ ગયા હતા. સિરસી સર્કલ ફલાયઓવરમાં પણ ભારે પાણી ભરાયા હતા. જયનગર, શિવાજી નગર. મહાલક્ષ્મીપુરમ, જેસી નગર જેજેઆર નગર વગેરે જેવા નીચાણવાળા વિસ્‍તારોમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા.

ભારે વરસાદની અસર બેંગલુરૂ મેટ્રોને પણ થઈ હતી. વાવાઝોડાને કારણે ગ્રીન લાઇન મિનિસ્‍ટર મોલ સ્‍ટેશન પર વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. ટ્રાન્‍સફોર્મર ટ્રીપ થવાના કારણે મેટ્રોની કામગીરી થોડા સમય માટે બંધ કરવી પડી હતી. પર્પલ લાઇન પર ટ્રેનોની અવરજવરને પણ અસર થઈ હતી. જોકે, બાદમાં ટ્રેનો ચાલુ થઈ ગઈ હતી. ખરાબ હવામાનની અસર એરલાઈન્‍સને પણ થઈ હતી. રાજમુન્‍દ્રી અને કોલકાતાની બે ફલાઈટને ચેન્નાઈ ડાયવર્ટ કરવી પડી હતી.

હવામાન વિભાગે પહેલાથી જ કર્ણાટકમાં ભારે વરસાદની ચેતવણી આપી હતી. એવું કહેવામાં આવ્‍યું હતું કે કર્ણાટક, કેરળ અને તમિલનાડુમાં આગામી બે દિવસ ભારે વરસાદની સંભાવના છે. દક્ષિણ પશ્ચિમ ચોમાસાની અસર આંદામાન અને નિકોબાર સુધી પહોંચવાના કારણે ઘણી જગ્‍યાએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી.વિભાગે આ માટે ઓરેન્‍જ એલર્ટ પણ જારી કર્યું હતું. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરી છે.

(11:50 am IST)