મુખ્ય સમાચાર
News of Wednesday, 18th May 2022

ટ્‍વિટરમાં ૨૦ ટકા નકલી એકાઉન્‍ટ : સોદો આગળ વધી શકે નહીઃ મસ્‍ક

મસ્‍કે ૪૪ અબજ ડોલરથી ઓછી કિંમતે ટ્‍વીટર ખરીદવાના સંકેત આપ્‍યા : નકલી એકાઉન્‍ટની સંખ્‍યા પાંચ ટકાથી ઓછી હોવાનું ટ્‍વિટર પૂરવાર કરે, સ્‍પામ એકાઉન્‍ટ દાવા કરતાં ચાર ગણા વધુઃ મસ્‍ક

ડેટ્રોઈટ, તા.૧૮: ટેસ્‍લાના સીઈઓ ઈલોન મસ્‍ક અને ટ્‍વિટરના સીઈઓ પરાગ અગ્રવાલ વચ્‍ચે ટ્‍વિટરમાં નકલી એકાઉન્‍ટ્‍સ (બોટ્‍સ) મુદ્દે વિવાદ સતત વકરી રહ્યો છે. પહેલાં ઈલોન મસ્‍કે અચાનક જ ટ્‍વિટરના નકલી એકાઉન્‍ટ્‍સ પાંચ ટકા કરતાં વધુ હોવાનો દાવો કરીને ડીલ અટકાવી દેવાની જાહેરાત કરી હતી. હવે મસ્‍કે ટ્‍વિટર ખરીદવા માટે અગાઉ ઓફર કરેલી ૪૪ અબજ ડોલર કરતાં ઓછી કિંમત ચૂકવવાના સંકેત આપ્‍યા છે.

ઈલોન મસ્‍કે જણાવ્‍યું હતું કે, ટ્‍વિટરના ચીફ એક્‍ઝિકયૂટિવ ઓફિસર (સીઈઓ) પરાગ અગ્રવાલ નકલી એકાઉન્‍ટની સંખ્‍યા પાંચ ટકાથી ઓછી છે તેવું જાહેરમાં પૂરવાર ન કરે ત્‍યાં સુધી ટ્‍વિટર સાથેનો ૪૪ અબજ ડોલરનો સોદો આગળ નહીં વધે. મસ્‍કના આ નિવેદનથી ટ્‍વિટર સાથેનું તેમનું બહુચર્ચિત ડીલ ઘોંચમાં પડવાની ધારણાં છે.

મસ્‍કે કહ્યું હતું કે, ટ્‍વિટર ખરીદવા માટે ૪૪ અબજ ડોલરની તેમની ઓફર કંપનીના એસઈસી ફાઈલિંગના આધારે હતી. જોકે, ટ્‍વિટરના ૨૨૯ મિલિયન એકાઉન્‍ટમાંથી ૨૦ ટકા નકલી એકાઉન્‍ટ હોઈ શકે છે. ઈલોન મસ્‍કે ગયા સપ્તાહે નકલી એકાઉન્‍ટ મુદ્દે અચાનક જ સોદાને અટકાવી દેવાની જાહેરાત કર્યા બાદ પરાગ અગ્રવાલે નકલી એકાઉન્‍ટના પુરાવા દર્શાવવાની ના પાડી દીધી હતી. તેમણે કહ્યું કે નકલી એકાઉન્‍ટની ગણતરી અનેક માહિતીઓ પર નિર્ભર હોય છે અને તેને જાહેર કરી શકાય નહીં. પાંચ ટકા નકલી એકાઉન્‍ટનો તેમનો દાવો આંતરિક ઓડિટ પર આધારિત છે. નકલી એકાઉન્‍ટ્‍સ પૂરવાર કરવા માટે એક્‍સટર્નલ ઓડિટ થઈ શકે નહીં. તેમણે એક ટ્‍વિટર થ્રેડમાં કહ્યું કે કંપની પ્‍લેટફોર્મ પરથી નકલી અને સ્‍પામ એકાઉન્‍ટ હટાવવા માટે આકરી મહેનત કરે છે. ટ્‍વિટર દરરોજ પાંચ લાખથી વધુ સ્‍પામ ખાતા સસ્‍પેન્‍ડ કરે છે. શકય હોય તેટલા સ્‍પામ એકાઉન્‍ટ હટાવવા માટે અમે અમારી સિસ્‍ટમ અને નિયમોને સતત અપડેટ કરતા રહીએ છીએ. નિષ્‍ણાતોનું માનવું છે કે આ મસ્‍કની ચાલ હોઈ શકે છે. તે ટ્‍વિટરને શરૂમાં અપાયેલી ઓફર કરતાં ઓછી કિંમતે ખરીદી શકે છે. મસ્‍કે ટ્‍વિટર ખરીદવાની જાહેરાત કરી છે ત્‍યારથી કંપનીના સ્‍ટોકે તેનો બધો જ નફો ગુમાવી દીધો છે. 

અગાઉ સોમવારે ઈલોન મસ્‍કે  એક ટેક સમારંભમાં જણાવ્‍યું હતું કે, ટ્‍વિટરની ખરીદી માટે પોતે કદાચ કિંમત ઘટાડી શકે છે, કારણ કે નકલી એકાઉન્‍ટની સંખ્‍યા જણાવાય છે, તેના કરતા ચાર ગણી વધુ હોઈ શકે છે.  દાવો કરાયો હોય તેના કરતા નબળી વસ્‍તુ માટે એક સરખો જ ભાવ આપવો વ્‍યવહારુ નથી એમ કહેતા ઈલોન મસ્‍કને એક અહેવાલમાં ટાંકવામાં આવ્‍યો હતો. સ્‍પામ ખાતા અંગેની માહિતી મેળવવાનું બાકી રાખીને, ૪૪ અબજ ડોલરના ટ્‍વિટર સોદાને અટકાવી રાખવાની મસ્‍કે શુક્રવારે જાહેરાત કરી હતી.  સ્‍પામ એકાઉન્‍ટસ   કુલ યુઝર્સના વીસ ટકા જેટલા હોવાની તેમને શંકા છે, જ્‍યારે ટ્‍વિટર દ્વારા સ્‍પામ એકાઉન્‍ટનો અંદાજ પાંચ ટકા મુકાયો છે, એમ ઈલોન મસ્‍કે જણાવ્‍યું હતું.

(10:34 am IST)