મુખ્ય સમાચાર
News of Tuesday, 18th January 2022

GST..3બી રિટર્ન મોડું થયું તો પહેલા વ્યાજ વસૂલી પછી જ રિટર્નનો સ્વીકાર

નવી દિલ્હી તા. ૧૮ : જીએસટી લાગુ કરવામાં આવ્યા બાદથી ૩બી રિટર્ન મોડું ભરનાર પાસે વ્યાજની વસૂલાત કરવામાં આવતી નહોતી. પરંતુ ડિસેમ્બર મહિનાથી ૩બી રિટર્ન મોડું ભરનાર પાસેથી ૧૮ ટકા વાર્ષિક વ્યાજ વસૂલ કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે.

દર મહિનાની ૨૦મી તારીખે ૩બી રિટર્ન ભરવાનું હોય છે. જેથી જાન્યુઆરી માસનું ૩બી રિટર્ન ફેબ્રુઆરીની ૨૦એ ભરવાની નિયમ જીએસટીમાં લાગુ કરવામાં આવ્યો છે. જીએસટી લાગુ કરવામાં આવ્યો ત્યારે મોડું રિટર્ન ભરનાર પાસેથી દંડ અને વ્યાજની વસૂલાત કરવાનો નિયમ બનાવવામાં આવ્યો હતો. તે પૈકી દંડની જ વસૂલાત અત્યાર સુધી વેપારીઓ પાસેથી કરવામાં આવતી હતી. જ્યારે વ્યાજબી વસૂલાત કરવામાં આવતી નહોતી. જ્યારે હવેથી ૨૦ તારીખ પછી રિટર્ન ભરવામાં આવે તો પોર્ટલ પર જ દંડ અને વ્યાજની ગણતરી કરી તેની વસૂલાત કરવામાં આવે છે. જેથી આ રકમ ભરપાઇ કરવામાં આવ્યા પછી જ ૩બી રિટર્ન સ્વીકારવામાં આવી રહ્યા છે.(૨૧.૪)

સમયસર રિટર્ન ભરાય તો જ વ્યાજ - દંડથી બચી શકાય

જીએસટી પોર્ટલ પર જ ૩બી રિટર્ન મોડું ભર્યુ હશે તો વ્યાજની ગણતરી સિસ્ટમ દ્વારા જ કરી દેવામાં આવશે. અત્યાર સુધી ગણતરી કરવામાં આવતી હતી. પરંતુ તેની વસૂલાત થતી નહોતી. જ્યારે ડિસેમ્બર મહિનાથી તેની વસૂલાત કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. જેથી નિયમિત રિટર્ન ભરવામાં આવે તો જ વ્યાજ અને દંડથી વેપારીઓ બચી શકશે.               - પાવન શાહ (ટેકસ કન્સલ્ટન્ટ)

(10:09 am IST)