મુખ્ય સમાચાર
News of Monday, 18th January 2021

કૃષિ કાયદાના વિરોધમાં ચાલતા આંદોલનમાં ભંગાણઃ સંયુક્‍ત કિસાન મોરચાએ ભારતીય કિસાન યુનિયનના અધ્‍યક્ષને સસ્‍પેન્‍ડ કરી દીધા

નવી દિલ્હી: કૃષિ કાયદાના વિરોધમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને બે મહિના થવા આવ્યા છે, ત્યારે પ્રથમ વખત સંયુક્ત કિસાન મોર્ચાની  બેઠકમાં ખેડૂતો વચ્ચે ફૂટ પડતી જોવા મળી રહી છે. જેમાં સંયુક્ત કિસાન મોરચાએ ભારતીય કિસાન યુનિયન (ચઢૂની)ના અધ્યક્ષ ગુરનામ ચઢૂનીને સસ્પેન્ડ કરી દીધા છે.

 ગુરનામ પર આરોપ છે કે, તેઓ સતત રાજકીય પાર્ટીઓ સાથે મુલાકાત કરી રહ્યાં હતા. એવામાં હવે ચઢૂનીએ પોતાનો પક્ષ સંયુક્ત કિસાન મોર્ચાની કમિટી સમક્ષ રજૂ કરવો પડશે.

રવિવારે સંયુક્ત કિસાન મોરચાની મિટિંગમાં ગુરનામ ચઢૂની પર આંદોલનને રાજનીતિનો અખાડો બનાવવા, કોંગ્રે સાથે મળીને રાજકીય નેતાઓને બોલાવવા અને દિલ્હીમાં સક્રિય રીતે કામ કરી રહેલા હરિયાણાના કોંગ્રેસ નેતા પાસેથી આંદોલનના નામે 10 કરોડ રૂપિયા લેવા જેવા સનસનીખેજ આરોપ લગાવવામાં આવી રહ્યાં છે.

એવામાં કેટલાક લોકોનો આરોપ હતો કે, તેઓ કોંગ્રેસની ટિકિટના બદલે હરિયાણા સરકારને ઉથલાવવા માટે ડીલ પણ કરી રહ્યાં છે. ચઢૂની ખુદ રાજકીય પાર્ટીઓને આંદોલનથી દૂર રાખવાની વાત કહેતા હતા, પરંતુ તેમણે ખુદ રાજકીય નેતાઓ સાથે સંપર્ક કર્યો છે. જો કે ચઢૂનીએ પોતાના પર લાગેલા તમામ આરોપોને ફગાવ્યા છે.

સંયુક્ત કિસાન મોર્ચાની 7 સભ્યોની કમિટી અને સરકાર સાથે વાટાઘાટો કરનારી કમિટીમાંથી ગુરનામ સિંહ ચઢૂનીને હટાવી લેવામાં આવ્યા છે.

જણાવી દઈએ કે, સંયુક્ત કિસાન મોર્ચા પંજાબના ડઝનથી વધુ ખેડૂત સંગઠનોનું એક ગ્રુપ છે. જેના બેનર હેઠળ ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે અને સરકાર સાથે વાતચીત થઈ રહી છે. ખેડૂતોએ આંદોલન અંગે પહેલા સ્પષ્ટતા કરી દીધી હતી કે, તેઓ પોતાના મંચ પર કોઈ રાજકીય પાર્ટીને સ્થાન નહીં આપે. સાથે કૃષિ કાયદા પરત નહીં થાય, ત્યાં સુધી આંદોલનનો અંત નહીં આવે.

(5:22 pm IST)