મુખ્ય સમાચાર
News of Saturday, 17th October 2020

રામ રાખે તેને કોણ ચાખેઃરૂવાંટા ઉભી કરી દે તેવી બે જીવલેણ ઘટનામાં લોકોનો ચમત્કારિક બચાવ

નવી દિલ્હી,તા. ૧૭: રાજય, દેશ સહિત પુરી દુનિયામાં અકસ્માતની ઘટનાઓ રોજ સર્જાતી હોય છે. દુર્ઘટના હંમેશા અચાનક જ થાય છે. પરંતુ દરેક દુર્ઘટનામાં બચી જવું સંભવ નથી હોતું. પરંતુ આજે એવી બે ઘટનાની વાત છે જે દુર્ઘટનાઓ તો મોટી છે, પરંતુ નશીબ જોગે કોઈ જાનહાની નથી થતી.

પ્રથમ ઘટનાની વાત કરીએ તો, બિલાસપુરમાં રિપેરીંગ દરમિયાન મોબાઈલની બેટરી ફાટી ગઈ. નશીબની વાત એ છે કે, મિકેનિક બાલ-બાલ બચી ગયો. આ મામલો હિમાચલ પ્રદેશના બિલાસપુર શહેરનો છે. મોબાઈલ બેટરી બ્લાસ્ટની આ ઘટના ૧૩ ઓકટોબરની બતાવવામાં આવી રહી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, બિલાસપુર શહેરના મેઈન માર્કેટમાં મોબાઈલ રિપેરીંગની દુકાનમાં એક મિકેનિક મોબાઈલ રિપેર કરી રહ્યો હતો. આ સમયે મોબાઈલ ફોનની બેટરીમાં અચાનક ધમાકો થઈ ગયો. આના કારણે દુકાનમાં એકદમ ધુમાડો ધુમાડો ફેલાઈ ગયો. જોકે, તકેદારીના કારણે દુકાનદારને કોઈ નુકશાન નથી પહોંચ્યું. તે પુરી રીતે સુરક્ષિત છે.મામેલ જોડાયેલો એક વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, મિકેનિક મોબાઈલ રિપેર કરી રહ્યો છે અને તે આગળ ટેબલ પર મોબાઈલ રાખે છે. થોડી જ સેકન્ડ બાદ આ મોબાઈલ ફાટે છે અને દુકાનમાં ધુમાડો ધુમાડો ફેલાઈ જાય છે. મહત્વની વાત એ છે કે, મિકેનિકને કોઈ પણ પ્રકારની ઈજા નથી પહોંચી. ઉલ્લેખનીય છે કે, હજુ થોડા સમય પહેલા જ મંડી જિલ્લામાં મોબાઈલ ફાટવાથી એક બાળકીની આંખો અને ચહેરો સળગી ગયો હતો.

હવે આવી જ એક બીજી ઘટનાની વાત કરીએ તો, એક ટાયર પંચની દુકાન પર ટાયરમાં હવા ભરતા સમયે અચાનક ટાયર બ્લાસ્ટ થયું હતું. જેમાં ટાયર પર બેસી હવા ભરી રહેલો કારીગર હવામાં પાંચ ફૂટ ઊંચો ઉડી પટકાયો હતો. આ ઘટના જૂન મહિનાની ૧૦ તારીખની છે.

આ દુર્ઘટના માં એક ટાયર પંચરની દુકાન પર લગભગ ટ્રેકટરના ટાયરમાં હવા ભરવામાં આવી રહી છે. આજુબાજુમાં એક મહિલા, બાળક અને એક ભાઈ પણ ઉભા છે. આ સમયે બે વ્યકિત ટાયર પાસે છે. કારીગર હવા ભરી રહ્યો છે અને બીજો વ્યકિત ટાયર પર પગ રાખીને ઉભો છે. અચાનક હવા વધારે ભરાઈ જવાથી ટાયરની ટ્યુબમાં બ્લાસ્ટ થાય છે. આ બ્લાસ્ટ એટલો ખતરનાક છે કે, હવા ભરી રહેલો કારીગર હવામાં પાંચ ફૂટ ઊંચે ઉડે છે અને જમીન પર પટકાય છે, જયારે ટાયર પર પગ રાખીને ઉભો રહેલો વ્યકિત પણ નીચે પડી જાય છે.

મહત્વની વાત એ છે કે, આ દુર્ઘટના સમયે એક બાળક બાજુમાં જ ઉભો હતો, પરંતુ તે બચી જાય છે. આ દુર્ઘટનામાં નશીબ જોગે કારીગર અને અન્ય વ્યકિતને થોડી ઈજા પહોંચે છે પરંતુ જીવ બચી જાય છે. આ વીડિયો જોઈ ભલભલાના રૂવાંટા ઉભા થઈ જાય. પણ કહેવાય છે કે, રામ રાખે તેને કોણ ચાખે, તે અહીં સિદ્ઘ થાય છે.

(2:49 pm IST)