મુખ્ય સમાચાર
News of Thursday, 17th September 2020

કોરોનાકાળમાં અમેરિકાનો દબદબો ઘટયો

કોરોનાને ડામી નહિ શકતા જગત જમાદાર ઉપર લોકોનો ભરોસો ઘટી ગયો : અમેરિકાની લોકપ્રિયતામાં સડસડાટ ઘટાડો : સર્વેક્ષણ

વોશિંગ્ટન, તા. ૧૭ : વિશ્વશકિત કહેવાતા અમેરિકાની વૈશ્વિક છબી કોરોનાકાળમાં ઝાંખી પડી છે. એક વૈશ્વિક સર્વેમાં જાણવા મળ્યું કે મહામારી પર કાબુ મેળવવામાં નિષ્ફળ રહેવાના કારણે અમેરિકા પર દુનિયાભરના લોકોનો ભરોસો ઘટી ગયો છે.

અમેરિકાની પ્રતિષ્ઠિત રિસર્ચ સંસ્થા પ્યુ રિસર્ચ સેન્ટરે ૧૪ વિકસીત અથવ્યવસ્થાવાળા દેશોમાં આ સર્વે કર્યો હતો. ૧૦ જૂનથી ૩ ઓગસ્ટ સુધી કરાયેલ આ સર્વેમાં ૧૩ હજાર વયસ્કો પાસેથી મળેલી પ્રતિક્રિયાના આધારે રિપોર્ટમાં જણાવાયું છે કે હવે લોકો અમેરિકા માટે સકારાત્મક વિચારો ઓછા ધરાવે છે.

આ દેશની છબી મહામારીના સમયે વધુ ખરાબ થઇ ગઇ છે. ૧૩ દેશોના બહુમતિ લોકોએકહ્યું કે કોરોના મહામારીની વિષમ પરિસ્થિતિને સંભાળવામાં અમેરિકા સંપૂર્ણપણે નિષ્ફળ ગયું. ફકત ૧પ ટકા લોકોનું જ માનવું હતું કે અમેરિકા મહામારી સામે યોગ્ય રીતે લડયું.

આ સર્વે અનુસાર, દુનિયાની નજરે ડોનાલ્ડ ટ્રમ્પ સૌથી ઓછા વિશ્વસનિય વૈશ્વિક નેતા છે. ૧૩ દેશના ફકત ૧૬ ટકા લોકોએ જ કહ્યું કે તેમને ટ્રમ્પ પર વિશ્વાસ છે, જયારે ચીની રાષ્ટ્રપતિ શી જીનપીંગને ૧૯ ટકા લોકોએ વિશ્વસનીય ગણ્યા. તો, જર્મન ચાંસેલર એંજેલા મર્કેલને ૭૬ ટકા રેટીંગ સાથે વિશ્વના સૌથી વિશ્વસનીય નેતા માનવામાં આવ્યા. બીજા નંબર પર ઇમેન્યુઅલ મેક્રોન અને ત્રીજા નંબર પર બોરિસ જોન્સન હતાં. રશિયન રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિન પર વિશ્વના ર૩ ટકા લોકોએ વિશ્વાસ મૂકયો છે.

(12:59 pm IST)