મુખ્ય સમાચાર
News of Thursday, 17th September 2020

૪પ૦૦૦ કરોડનું ગુમાવ્યું પ્રિમીયમ

લોકડાઉન : જીવન વીમા ઉદ્યોગે ગુમાવી ૪૦ લાખ પોલીસી

મુંબઇ, તા. ૧૭ : કોરોનાના કારણે લાગુ કરાયેલ લોકડાઉનના કારણે જીવન વિમા ઉદ્યોગે ૪૦ લાખ પોલિસી અને ૪પ હજાર કરોડ રૂપિયાનું પ્રિમીયમ ગુમાવવું પડયું છે.

મર્ચન્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તરફથી આયોજીત એક કાર્યક્રમમાં કોવિદ પછીના પડકારો અને તક એ વિષય પર બોલતા ભારતીય જીવન વિમા નિગમ (એલઆઇસી)ના મેનેજીંગ ડાયરેકટર રાજકુમારે કહ્યું કે, જીવન વિમા ઉદ્યોગે બધી મળીને કુલ ૪૦ લાખ પોલિસીઓ ગુમાવી છે અને નવા કારોબારથી મળનારા ૧પ૦૦૦ કરોડ રૂપિયાના પ્રિમીયમનું નુકશાન થયું છે. લોકડાઉન થયા પછીથી લોકોએ પોતાની જરૂરીયાતો માટે પૈસા બચાવવાનું શરૂ કર્યું હતું. તેનાથી આ ઉદ્યોગમાં પોલિસીના રિન્યુઅલના લગભગ ૩૦૦૦૦ કરોડ રૂપિયા ન આવ્યા.

પરંપરાગત રીતે માર્ચ મહિનાનું બીજુ પખવાડીયું વિમાના ધંધા માટે બહુ સારૂ ગણવામાં આવે છે અને સંપૂર્ણ બીઝનેશનું લગભગ ૧પ થી ૧૮ ટકા પ્રિમીયમ એ વખતે આવે છે. જીવન વિમા ઉદ્યોગમાં માર્ચથી સતત ૪ મહિના સુધી ઘટાડો થયો છે, પણ ઉદ્યોગને એવું લાગે છે કે જુલાઇથી ધીમે ધીમે ગાડી પાટા પર ચડશે અને સાથે જ લોકોનો વીમામાં રસ પણ વધશે.

કુમારે વેબિનારમાં કહ્યું કે ૩૧ ઓગસ્ટ સુધીમાં એલઆઇસીની પ્રિમીયમની આવક ગયા વર્ષના સ્તર સુધી પહોંચી ગઇ છે. એટલે અમે એપ્રિલ અને મેના ડીફરન્સથી ભરપાઇ કરી લીધી છે, ત્યારે પ્રિમીયમ ૩ર ટકા જેટલું ઘટી ગયું હતું. એલઆઇસીના રિન્યુઅલ પ્રિમીયમમાં પણ વધારો થયો છે. ૧ર સપ્ટેમ્બર સુધીમાં એલઆઇસીએ રીન્યુઅલ પ્રિમીયમ દ્વારા ૮૭૩ર૭ કરોડ મેળવ્યા છે. જયારે ગયા વર્ષે આ સમયગાળામાં ૭૭૧૭૬ કરોડ રૂપિયા આવ્યા હતાં. રીન્યુઅલ પ્રિમીયમ ભલે ૧૩ ટકા વધ્યું પણ પોલિસીના વેચાણમાં ફકત ૦.૪ ટકાનો જ વધારો થયો છે.

(12:58 pm IST)