મુખ્ય સમાચાર
News of Thursday, 17th September 2020

આજે પીએમનો જન્મદિવસઃ રાષ્ટ્રપતિ, અમિત શાહ, રાહુલ ગાંધી સહિત દિગ્ગજોએ પાઠવી શુભેચ્છા

નવી દિલ્હી, તા.૧૭: દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી આજે ૭૦ વર્ષના થયા છે. દેશભરમાં ભારતીય જનતા પાર્ટી PM મોદીના જન્મદિવસને 'સેવા સપ્તાહ' તરીકે મનાવી રહી છે. આ સાથે જ દિગ્ગજ નેતાઓ દ્વારા PM મોદીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદથી લઇને ગૃહમંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથસિંહ, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને અન્ય મોટા નેતાઓએ પીએમ મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટ કરી લખ્યું કે રાષ્ટ્ર સેવા અને ગરીબ કલ્યાણ પ્રતિ સમર્પિત દેશના સર્વપ્રિય નેતા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીને જન્મદિવસની શુભકામના. મોદી જીના રૂપમાં દેશને એક એવું નેતૃત્વ મળ્યું જેમાં લોક-કલ્યાણકારી નીતિઓથી વંચિત વર્ગને વિકાસની મુખ્યધારાથી જોડ્યાં અને એક મજબૂત ભારતનો પાયો નાંખ્યો.

 અમિત શાહે લખ્યું કે દાયકાથી પોતાના અધિકારોથી વંચિત ગરીબોને ઘર, વીજળી, બેંક ખાતુ અને શૌચાલય આપવું કે ઉજ્જવલ યોજનાથી ગરીબ માતાઓના ઘરે ગેસ પહોંચાડવાનું તેમને સન્માનપૂર્ણ જીવન દેવુ, આ માત્ર ને માત્ર પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના અતૂટ સંકલ્પ અને મજબૂત ઇચ્છાશકિતથી જ શકય થઇ શકયું છે.

 કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ ટ્વિટ કરી પ્રધાનમંત્રી મોદીને શુભેચ્છા પાઠવી છે. રાહુલ ગાંધીએ લખ્યું કે પ્રધાનમંત્રી મોદીજીને જન્મદિવસની શુભેચ્છા.

 રક્ષા મંત્રી રાજનાથ સિંહે પોતાના ટ્વિટમાં લખ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વથી દેશને ઘણો ફાયદો થયો છે. તેઓ સતત ગરીબો માટે કામ કરી રહ્યાં છે, હું તેમના સારા સ્વાસ્થ્યની કામના કરુ છું.

 ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ ટવિટ કરી પીએમ મોદીને શુભેચ્છા આપી. યોગીએ લખ્યું અંત્યોદયથી રાષ્ટ્રોદયની સંકલ્પનાને સાકાર કરતે યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીને જન્મદિવસની શુભકામના.

 રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પોતાના ટ્વિટમાં લખ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીને જન્મદિવસની હાર્દિક શુભકામના. તમે ભારતના જીવન-મૂલ્યો તેમજ લોકશાહી પરંપરામાં નિષ્ઠાનું આદર્શ પ્રસ્તુત કર્યું છે. મારી શુભેચ્છા અને પ્રાર્થના છે ઇશ્વર તમને સદાય સ્વસ્થ તેમજ ખુશ રાખે તેમજ રાષ્ટ્રને તમારી અમૂલ્ય સેવા પ્રાપ્ત થતી રહે.

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીનો જન્મ ૧૭ સપ્ટેમ્બર, ૧૯૫૦ના ગુજરાતના વડનગરમાં થયો હતો. તેમણે યુવા વસ્થામાં પરિવારને છોડી દીધો હતો અને પછી સંદ્ય સાથે જોડાયા હતા. ભારતીય જનતા પાર્ટીમાં અલગ-અલગ પદો પર કામ કર્યા પછી નરેન્દ્રભાઇ મોદી ૨૦૦૧માં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા અને ૨૦૧૪ સુધી તેઓ રાજયના મુખ્યમંત્રી બન્યા રહ્યા. ૨૦૧૪ પછી તેઓ દેશના પ્રધાનમંત્રી બન્યાં.

(10:03 am IST)