મુખ્ય સમાચાર
News of Wednesday, 17th August 2022

આવી રહી છે હવામાં ઉડતી કારઃ ૨૦૦૦ લોકોએ કરાવ્‍યું બુકિંગ : કિંમત ૧.૩૫ કરોડ

આ કાર કે વિમાન નહીં પરંતુ ત્રણ પૈડાવાળુ બાઇક ગણાશે

ન્‍યૂયોર્ક,તા. ૧૭: ગાડી મોંઘી હોય કે સસ્‍તી એક વાર ટ્રાફિકમાં ફસાવાનું થાય ત્‍યારે ખૂબ સમય બગડે છે. વધતા જતા વાહનોના લીધે શહેરના આંતરિક રસ્‍તાઓ અને હાઇવે માર્ગો વાહનોથી ઉભરાતા રહે છે પરંતુ જો કારને આકાશમાંથી ઉડાડી શકાતી હોય તો કેવું લાગે ? માણસની આ વર્ષો જુની કલ્‍પના છે જે હવે સાકાર થવા જઇ રહી છે. આ એવી કાર જેને જરુર પડે ત્‍યારે રોડ પર અને જરુર પડે ત્‍યારે ઉડીને પણ જઇ શકાય છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અમેરિકાના બજારમાં ફલાઇંગ કાર આવી રહી છે જેનું ૨૦૦૦ લોકોએ બૂકિંગ કરાવ્‍યું છે. આ કાર તૈયાર કરવા માટે ૧૪ વર્ષ જેટલો સમય લાગ્‍યો છે. ડિઝાઇન, રિસર્ચ અને સંશોધન પછી છેવટે ઉડતું વ્‍હિકલ માર્કેટમાં આવી રહયું છે. વિશ્વની પ્રથમ ફલાઇંગ કારનો ૮૭ કિમી પ્રતિ કલાકની ઝડપે ટેસ્‍ટિંગ સફળ રહયા છે.

આમ જોવા જઇએ તો હવામાં ઉડતી કારને વિમાન પણ કહી શકાય પરંતુ નવાઇની વાત તો એ છે કે આ વ્‍હિકલને ટેકનિકલી કાર કે વિમાન નહી પરંતુ ત્રણ પૈડાવાળા મોટર સાઇકલની યાદીમાં સમાવવામાં આવ્‍યું છે. આ કારમાં એક ચાલક સિવાય બીજા એક પેસેન્‍જરની સ્‍પેસ મળે છે.

રોડ પર દોડે અને આકાશમાં ઉડે આ કંઇક જુદો અનુભવ રહેશે.  જો કે આ ફલાઇંગ વ્‍હિકલ ચલાવવું એટલું સરળ પણ નથી. તેને પણ વિમાનની જેમ ઉડવા માટે રન વે ની જરુર પડે છે. આથી તેને ઉડાડવા માટે ફલાઇટ માટે જે પ્રોટોકોલ છે તેને ફોલો કરવો પડશે.

કંપની એવો દાવો કરે છે કે ગ્રાહકો પોતાની મરજી મુજબ ઉપયોગ કરી શકે છે પરંતુ પ્રાઇવેટ ફલાઇંગ ટેકસી માટે કોઇ સેટ અપ કે ફેસિલિટી ડેવલપ યુએસમાં પણ થવાની બાકી છે. બીજુ કે કાર શો રુમમાંથી તૈયાર લાવીને ઉડાડી શકાતી નથી પરંતુ તેને પાર્ટસ સેટ કરીને તૈયાર કરવી પડે છે.

રોડ અને ફલાઇંગ એમ બંને પ્રકારનું વ્‍હિકલ હોય ત્‍યારે એવિએશન અને રોડ પરનું એમ બંને લાયસન્‍સ હોવું જરુરી બને છે. આ વિશિષ્ટ પ્રકારની કાર ચલાવનારા જો નોન પાયલોટ હોયતો મુશ્‍કેલી પડી શકે છે.એવિએશન ટેકનોલોજીથી પરીચિત કે જાણકાર હોય તેમના માટે સરળ છે. આ કારની અંદાજીત કિંમત ૧.૩૫ કરોડ રુપિયા આસપાસ થાય છે.

(10:27 am IST)