મુખ્ય સમાચાર
News of Tuesday, 17th May 2022

વઝુખાનામાંથી ૧૨.૮ ફૂટ વ્યાસ અને ૪ ફૂટ લંબાઈનું શિવલિંગ મળ્યાનો દાવો

જ્ઞાનવાપી મસ્જિદમાં ત્રણ દિવસની સર્વેની કામગીરી પૂર્ણઃટીમે વઝુખાના માટેનું કૃત્રિમ તળાવ ખાલી કરાવ્યું હતું. પાણી હટાવવાની સાથે ત્યાંથી શિવલિંગ મળી આવ્યું હતું

નવી દિલ્હી, તા.૧૭:જ્ઞાનવાપી પરિસરમાં ૩ દિવસથી ચાલી રહેલી સર્વેની કાર્યવાહી સોમવારે પૂર્ણ થઈ હતી. છેલ્લા દિવસના સર્વેના અંતે જ્ઞાનવાપી મસ્જિદના વઝુખાના પાસે શિવલિંગ મળી આવ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. હિંદુ પક્ષના વકીલ હરિશંકર જૈનની અરજી પર સિવિલ જજ (સિનિયર ડિવિઝન)ની કોર્ટે જ્યાંથી શિવલિંગ મળી આવ્યું હતું તે જગ્યાને તાત્કાલિક સીલ કરવાનો આદેશ આપ્યો હતો.

કોર્ટે ડીએમ, પોલીસ કમિશનર અને સીઆરપીએફ કમાન્ડન્ટને આદેશના પાલનની વ્યક્તિગત જવાબદારી આપીને સુરક્ષા સીલ કરવા જણાવ્યું હતું. સાંજે પોલીસે સંબંધિત સ્થળને સીલ કરી દીધું અને ત્યાં કોઈપણ વ્યક્તિની અવરજવર પર પ્રતિબંધ મૂક્યો હતો.

મહત્વના પુરાવાઃ અંતિમ દિવસે સર્વે દરમિયાન ટીમે વઝુખાના માટેનું કૃત્રિમ તળાવ પાણીથી ખાલી કરાવ્યું હતું. પાણી હટાવવાની સાથે જ તે જગ્યાએથી શિવલિંગ મળી આવ્યું હતું. જેનો વ્યાસ ૧૨.૮ ફૂટ અને લંબાઈ ૪ ફૂટ જણાવવામાં આવી રહી છે. એવો પણ દાવો કરવામાં આવે છે કે, આ શિવલિંગ નંદીના મુખથી ઉત્તર દિશામાં ૮૪.૩ ફૂટના અંતરે આવેલું છે.  તેને જોઈને હિન્દુ પક્ષના વકીલ હરિશંકર જૈન સિવિલ જજની કોર્ટમાં પહોંચ્યા હતા.

કોર્ટમાં તેમણે લેખિત અરજી દ્વારા જણાવ્યું હતું કે, જ્ઞાનવાપી મસ્જિદ પરિસરમાં શિવલિંગ મળી આવ્યું છે. આ ખૂબ જ મહત્વપૂર્ણ પુરાવો છે. જૈને કોર્ટ પાસે માંગ કરી હતી કે સીઆરપીએફ કમાન્ડન્ટને સ્થળ સીલ કરવા સાથે જ વઝુ પર પ્રતિબંધ અને વધુમાં વધુ ૨૦ લોકોને નમાજ પઢવાનો આદેશ આપવામાં આવે. સિનિયર ડિવિઝન જજ રવિ કુમાર દિવાકરે તરત જ ડીએમને સ્થળ સીલ કરવાનો આદેશ આપ્યો હતો. કોર્ટ કમિશનર અજય કુમાર મિશ્રા અને તેમના ૨ સાથીદારો મંગળવારે કોર્ટમાં સર્વે રિપોર્ટ રજૂ કરશે. વઝુખાનાને સીલ કર્યા બાદ તેને સુરક્ષા માટે સીઆરપીએફને સોંપવામાં આવ્યો હતો.

સર્વેથી તમામ પક્ષો સંતુષ્ટઃ સર્વેની કાર્યવાહી બાદ ડીએમ કૌશલરાજ શર્માએ જણાવ્યું હતું કે, સોમવારે કોર્ટ (કોર્ટ કમિશન) દ્વારા રચવામાં આવેલા કમિશને સવારે ૧૦.૧૫ વાગ્યે કામ પૂરું કર્યું હતું સાથે જ તમામ પક્ષો સંતુષ્ટ હતા.

મહિલાઓની અરજીઃ સર્વેનો આદેશ મહિલાઓના એક જૂથ દ્વારા હિંદુ દેવી-દેવતાઓની રોજીંદી પૂજા માટે પરવાનગી માંગતી અરજી આપવામાં આવી હતી. જેમની મૂર્તિઓ મસ્જિદની બહારની દિવાલ પર સ્થિત છે. અરજીમાં શૃંગાર ગૌરી અને અન્ય દેવતાઓની સ્થિતિ સ્પષ્ટ કરવા પણ કહેવામાં આવ્યું છે.

(7:52 pm IST)