મુખ્ય સમાચાર
News of Tuesday, 17th May 2022

ગુજરાતી ફિલ્‍મોના સુપર સ્‍ટાર અભિનેતા

પરિવાર એક સાથે હોય તો કોઈ પણ પ્રશ્નોનો ઉકેલ ચૂટકીમાં આવી શકે : મલ્‍હાર ઠાકર : એક મધ્‍યમ વર્ગના પરિવારમાં નવુ ટીવી આવે છે અને પછી સર્જાઈ છે ટ્‍વીસ્‍ટ સાથે કોમેડી : રાગી જાની : ફિલ્‍મ ૧૯મીએ રિલીઝ થશે : ફિલ્‍મનું આખુ શૂટીંગ અમદાવાદમાં થયુ : દિલેર મહેંદી અને અલ્‍તાફ રાજાએ ગીતો ગાયા : અભિનેત્રી નિજલ મોદીની પ્રથમ ફિલ્‍મ : મેઘના સોલંકી પણ મુખ્‍ય ભૂમિકામાં

મલ્‍હાર ઠાકરની નવી ફિલ્‍મ ‘સોનું તને મારા પર ભરોસો નઈ કે...?'

રાજકોટ, તા. ૧૭ : ગુજરાતી ફિલ્‍મોના યુવા અને ખૂબ જ ટૂંકા સમયમાં દર્શકોમાં ચાહના મેળવી ચૂકેલા અભિનેતા મલ્‍હાર ઠાકરની વધુ એક ફિલ્‍મ આવી રહી છે. આ ફિલ્‍મનું નામ છે ‘ સોનું તને મારા પર ભરોસો નઈ કે?' આ ફિલ્‍મના મુખ્‍ય કલાકારોની ટીમ ‘અકિલા' કાર્યાલયની મુલાકાતે આવેલ અને ‘અકિલા' પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે ફિલ્‍મ અંગે વિગતો રજૂ કરી હતી. ઉપરાંત આ કલાકારોની ટીમે ‘અકિલા' કાર્યાલયના વિવિધ વિભાગોની પણ મુલાકાત લઈ અને સમાચાર થી માંડી પ્રિન્‍ટ કેવી રીતે થાય છે તેની વિસ્‍તૃત માહિતી જાણી એકદમ પ્રસન્‍ન થયા હતા.
આ ફિલ્‍મમા મુખ્‍ય ભૂમિકામાં ભજવતા મલ્‍હાર ઠાકરે જણાવ્‍યુ હતું કે આ ફિલ્‍મ એક સંયુકત પરિવારની સ્‍ટોરી છે. સંપૂર્ણ પારિવારીક આ ફિલ્‍મ છે. આખો પરિવાર એકસાથે બેસી આ ફિલ્‍મ માણી શકશે. તેમણે કહ્યું કે મારધાડ વાળી તેમજ વિવિધ અનેક વિષયો ઉપર તો ફિલ્‍મ બને જ છે પરંતુ આ ફિલ્‍મ એક અલગ જ વિષય ઉપર બનાવવામાં આવી છે. આ ફિલ્‍મનો હાર્દ એ છે કે કોઈપણ સંયુકત પરિવાર હોય અને તેઓ ઉપર નાનામાં નાનાથી માંડી મોટામાં મોટો પ્રશ્ન આવે તો તેનો ઉકેલ ઝડપથી આવી શકે છે.
તેમણે જણાવેલ કે ગુજરાતી ફિલ્‍મ ૧૯મી મેના સિનેમા ઘરોમાં રજૂ થશે. ફિલ્‍મનું આખુ શૂટીંગ અમદાવાદ શહેરમાં જ થયુ છે. આ ફિલ્‍મમાં બે ગીતો છે. જેમાં સૌ પ્રથમ વખત હિન્‍દી ફિલ્‍મોના દિગ્‍ગજ ગાયક દિલેર મહેંદીએ ગુજરાતીમાં ગીત રજૂ કર્યુ છે તો અલ્‍તાફ રાજાએ પણ ગીત ગાયુ છે.
એક પ્રશ્નના જવાબમાં મલ્‍હારે કહ્યું કે ફિલ્‍મોમાં તો રીટેક મળતુ હોય છે જયારે નાટક ભજવતા હોય ત્‍યારે તેમાં રીટેક મળતુ નથી. આથી મારા મતે અભિનય વેળાએ ફિલ્‍મમાં શૂટીંગ દરમિયાન જો ડાયલોગ બોલવામાં કોઈ ભૂલ થાય તો તે આપણે સુધારી શકીએ છીએ જયારે નાટકમાં એ થઈ શકતુ નથી.
આ ફિલ્‍મમાં મુખ્‍ય ભૂમિકા ભજવી રહ્યા છે, જેનું નામ છે રાગી જાની. તેઓ ૩૫ વર્ષથી નાટય ક્ષેત્રે દિગ્‍ગજ કલાકાર છે. તેઓનું નાટક ‘પ્રિત પીયુને પાનેતર' ખૂબ જ વિખ્‍યાત બનેલુ. તેઓ વિનોદ જાનીના સુપુત્ર છે અને અનેક સિરીયલો અને ફિલ્‍મોમાં અભિનયના ઓજસ પાથરી ચૂકયા છે.
રાગી જાનીએ ફિલ્‍મની સ્‍ટોરી વિશે જણાવેલ કે આ એક મધ્‍યમ વર્ગના પરિવાર ઉપર ફિલ્‍મ બની છે. ફિલ્‍મની વાર્તા કઈક એવી છે કે એક સામાન્‍ય પરિવાર પોતાના ઘરમાં નવુ ટીવી લાવે છે અને આ ટીવીમાંથી ગોલ્‍ડ (સોનુ) નીકળે છે અને તેમાંથી ટ્‍વીસ્‍ટ શરૂ થાય છે. ટ્રેજડી સાથે કોમેડી પણ જોવા મળશે.
આ ફિલ્‍મના ડાયરેકટર છે હેનિલ ગઢવી, પ્રોડયુસર જીગર ચૌહાણ, શનિ દેસાઈ અને મલ્‍હાર ઠાકર તેમજ ફિલ્‍મમાં મલ્‍હાર ઠાકર, નિજલ મોદી, રાગી જાની, નિલેશ પંડયા, મેઘના સોલંકી અને અલ્‍પનાબેન ગગડેકરના અભિનય છે. આ ફિલ્‍મ ૧૯મીના રોજ થિયેટરમાં રીલીઝ થશે.
ઉપરોકત તસ્‍વીરમાં ‘અકિલા' પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે યુવા અભિનેતા મલ્‍હાર ઠાકર, નિજલ મોદી, રાગી જાની અને મેઘના સોલંકી નજરે પડે છે. (તસ્‍વીરઃ સંદિપ બગથરીયા

 

(3:09 pm IST)