મુખ્ય સમાચાર
News of Tuesday, 17th May 2022

ક્રૂડ ઓઇલની કિંમત ૧૧૪ ડોલર : પેટ્રોલ - ડીઝલના ભાવ ફરી વધશે

છેલ્લી વખતે ૬ એપ્રિલે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્‍યો હતો

નવી દિલ્‍હી તા. ૧૭ : વૈશ્વિક બજારમાં કાચા તેલની કિંમત પ્રતિ બેરલ ૧૧૪ ડોલર પર પહોંચી ગઈ છે, આ દરમિયાન સરકારી ઓઈલ કંપનીઓએ પણ મંગળવારે પેટ્રોલ અને ડીઝલના નવીનતમ ભાવ જાહેર કર્યા છે. બજાર વિશ્‍લેષકોનું માનવું છે કે જો ક્રૂડના ભાવમાં વધારો ચાલુ રહેશે તો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થવાની પ્રક્રિયા પણ શરૂ થઈ શકે છે. ઓઈલ કંપનીઓએ રવિવારે જ CNGના ભાવમાં વધારો કર્યો હતો, પરંતુ લગભગ ૪૧ દિવસથી પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્‍થિર રાખ્‍યા હતા.

અગાઉ માર્ચ-એપ્રિલમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર ૧૦.૨૦ રૂપિયાનો વધારો કરવામાં આવ્‍યો હતો. છેલ્લી વખત ૬ એપ્રિલે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્‍યો હતો. બ્રેન્‍ટ ક્રૂડની કિંમત હાલમાં પ્રતિ બેરલ ૧૧૪ ડોલર છે અને જો તે આ ઊંચા સ્‍તરે રહેશે તો કંપનીઓ પર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવાનું દબાણ પણ વધશે.

પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ સવારે ૬ વાગ્‍યે બદલાય છે. નવા દરો સવારે ૬ વાગ્‍યાથી લાગુ થશે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં એક્‍સાઈઝ ડ્‍યુટી, ડીલર કમિશન, વેટ અને અન્‍ય વસ્‍તુઓ ઉમેર્યા બાદ તેની કિંમત મૂળ કિંમત કરતા લગભગ બમણી થઈ જાય છે. આ જ કારણ છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવ આટલા ઉંચા જોવા મળી રહ્યા છે.

(10:33 am IST)