મુખ્ય સમાચાર
News of Tuesday, 17th May 2022

એન્‍ટાર્કટિકામાં હવે ૪ મહિના પછી થશે સવાર !: -૮૦ ડિગ્રી તાપમાનમાં રહેશે ૧૨ લોકો

એન્‍ટાર્કટિકામાં વરસાદ થતો નથી પરંતુ બરફના પડ નીચે પૃથ્‍વીના પેટાળની ગરમીથી પીગળેલા પાણીના ૩૦૦ જેટલા તળાવ છે

પેરિસ તા. ૧૭ : એન્‍ટાર્કટિકા કે જયાં તારીખ ૧૩ મેના દિવસે સૂર્ય ડૂબતાં જ ૪ મહિના લાંબી રાતની શરૂઆત થઈ ગઈ છે. કેટલાંક લોકો માટે એન્‍ટાર્કટિકામાં આ મહિના આઈસોલેશન અને ખૂબ ઠંડા હોઈ શકે છે પણ અંતરિક્ષયાત્રીઓ માટે આ સુવર્ણ તક છે કે જયારે સ્‍પેસ મિશનની તૈયારી કરી શકે છે અને ધરતીની આ અઘરી પરિસ્‍થિતિવાળી જગ્‍યામાં રહીને અભ્‍યાસ કરી શકે છે. દક્ષિણ ધ્રુવ એટલે પૃથ્‍વીનો નીચલો છેડો. જયાં સૂર્યપ્રકાશ માંડ-માંડ પહોંચે. પૃથ્‍વીની ધરીનો ત્રાંસ બદલાય ત્‍યારે ત્‍યાં સૂર્યોદય થાય. એટલે છ મહિના દિવસ અને છ મહિના રાત રહે. આ પ્રદેશ એન્‍ટાર્કટિકા નામે ઓળખાય છે.

દુનિયામાં જયાં અન્‍ય જગ્‍યાએ લોકો અલગ-અલગ ઋતુનો અનુભવ કરે છે પણ એન્‍ટાર્કટિકામાં માત્ર ૨ ઋતુ હોય છે, શિયાળો અને ઉનાળો. દુનિયાના સૌથી ઠંડા એવા એન્‍ટાર્કટિકા પર ૬ મહિના દિવસ અને ૬ મહિના રાત હોય છે. હવે એન્‍ટાર્કટિકા, યુરોપિયન અંતરિક્ષ એજન્‍સીની ૧૨ ટીમનો બેઝ બનશે કે જેઓ આ આઈસોલેશનમાં રહેશે અને કામ કરશે. સ્‍પેસ એજન્‍સીએ પોતાની વેબસાઈટમાં જણાવ્‍યું કે ઊંઘના રિસર્ચથી માંડીને પેટના સ્‍વાસ્‍થ્‍ય સુધી, વર્તમાન અને ભવિષ્‍યના રિસર્ચર્સને અંતરિક્ષ જેવા વાતાવરણને સમજવા તેમજ પડકારનો સામનો કરવામાં મદદ મળે તે માટે અહીં રહેશે.

સ્‍પેસ એજન્‍સીએ કહ્યું કે એન્‍ટાર્કટિકાની આ સ્‍થિતિ કોઈ અન્‍ય ગ્રહ પર રહેવા જેવી છે. જાણકારી મુજબ, આ બેઝમાં ઓછામાં ઓછા ૯ મહિનાના ભંડાર હાજર છે. કારણકે આગામી સમયમાં અહીં (એન્‍ટાર્કટિકા) તાપમાન લગભગ -૮૦ ડિગ્રી સેલ્‍સિયસ સુધી જઈ શકે છે. એન્‍ટાર્કટિકામાં વરસાદ થતો નથી. પરંતુ બરફના પડ નીચે પૃથ્‍વીના પેટાળની ગરમીથી પીગળેલા પાણીના ૩૦૦ જેટલા તળાવ છે. શિયાળામાં આ વિસ્‍તારમાં બરફનો વિસ્‍તાર વધી જાય છે. તેનું કદ બમણું થઈ જાય છે. ઘણાં દેશો એન્‍ટાર્કટિકાના અભ્‍યાસ માટે વિજ્ઞાનીઓ મોકલે છે. આ વિજ્ઞાનીઓ થોડો સમય રોકાઈને અભ્‍યાસ કરે છે. આ સિવાય ત્‍યાં કોઈ કાયમી વસતિ નથી.

(9:53 am IST)