મુખ્ય સમાચાર
News of Tuesday, 16th January 2018

બંગાળ : ૫૦ અબજ રૂપિયા રોકવા અંબાણીની જાહેરાત

પશ્ચિમ બંગાળમાં નવી શક્યતાઓ ચકાસાશે : ટેલિકોમ અને પેટ્રો રિટેલ બિઝનેસને વધારવા માટે તૈયારી

કોલકાતા,તા. ૧૬ : આરઆઈએલના ચેરમેન મુકેશ અંબાણીએ પશ્ચિમ બંગાળમાં ટેલિકોમ અને પેટ્રો રિટેલ કારોબારને વધારવામાં ૫૦ અબજ રૂપિયાના રોકાણની જાહેરાત કરી હતી. મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, તેમની કંપની મોબાઇલ ફોન અને સેટઅપ બોક્સ માટે મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપિત કરવાની શક્યતા ચકાસી રહી છે. બંગાળમાં ગ્લોબલ બિઝનેસ સમિટમાં બોલતા ભારતના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની પ્રશંસા કરતા કહ્યું હતું કે, તેમની લીડરશીપ હેઠળ પશ્ચિમ બંગાળ બેસ્ટ બંગાળ બની ગયું છે. અંબાણીએ કહ્યું હતું કે તેમની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડ આ રાજ્યમાં ૪૫ અબજ રૂપિયાનું રોકાણ કરવા કટિબદ્ધ છે પરંતુ ૧૫૦ અબજ રૂપિયાનું રોકાણ કરવાની પણ ઇચ્છા છે. તેમણે કહ્યું હતું કે, અમે માત્ર રોકાણ કરી રહ્યા નથી પરંતુ સાનુકુળ વાતાવરણ સર્જી રહ્યા છે. આરઆઈએલ બંગાળમાં પણ સૌથી મોટા રોકાણકારો પૈકી એક બની ગયું છે. મોટાભાગનું રોકાણ ચોથી પેઢીના હાઈસ્પીડ મોબાઇલ અને ઇન્ટરનેટ નેટવર્ક રિલાયન્સ જીયોમાંથી આવ્યું છે. ટેલિકોમ આર્મ તરીકે આરઆઈએલની એક કંપની તરીકે રિલાયન્સ જીયો ઉભરી આવી છે. તેમણે કહ્યું હતું કે, અતિઆધુનિક ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપિત કરવા માટેની શક્યતા રિલાયન્સ દ્વારા ચકાસવામાં આવી રહી છે. મુકેશ અંબાણીની આજની જાહેરાતને ખુબ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. કારણ કે, મુકેશ અંબાણી દરેક ક્ષેત્રમાં રિલાયન્સની ગતિવિધિને સતત વધારી રહ્યા છે.

(7:21 pm IST)