મુખ્ય સમાચાર
News of Saturday, 16th October 2021

મુંશીગંજમાં કાલી મંદિરની છ મૂર્તિઓની તોડફોડ કરાઈ

બાંગ્લાદેશમાં હિંદુઓને ટાર્ગેટ કરવાનો દોર યથાવત : મંદિરમાં કોઈ પણ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા નહોતી અને માત્ર મૂર્તિઓ તોડવામાં આવી, મુખ્ય દ્વારનું તાળું તૂટેલુ હતું

ઢાકા, તા.૧૬ : બાંગ્લાદેશમાં મુસ્લિમ કટ્ટરપંથીઓ દ્વારા દુર્ગા પૂજા પંડાલ અને મૂર્તિઓની તોડફોડ બાદ પણ હિંદુ સમુદાયને ટાર્ગેટ કરીને હિંસાની ઘટનાઓ ચાલુ જ છે. ૧૬ ઓક્ટોબરના રોજ પણ મુંશીગંજના દનિયાપારા મહાશમશાન કાલી મંદિરની ૬ મૂર્તિઓ સાથે તોડફોડ કરવામાં આવી હતી. એક અહેવાલ પ્રમાણે વહેલી સવારે ૩-૪ વાગ્યે આ પ્રકારની તોડફોડ કરવામાં આવી હતી. મંદિરમાં કોઈ પણ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા નહોતી અને માત્ર મૂર્તિઓ તોડવામાં આવેલી છે.  દનિયાપારા મહાશમશાન કાલી મંદિરના મહાસચિવ શુભ્રાતા દેવ નાથ વાનુના કહેવા પ્રમાણે મુખ્ય દ્વારનું તાળુ તૂટેલુ હતું. ટિન શેડ પણ કાપી નાખવામાં આવેલો છે. મંદિરની તમામ મૂર્તિઓ તોડી પાડવામાં આવેલી છે.

 ઉલ્લેખનીય છે કે, ૧૩ ઓક્ટોબરના રોજ નાનુઆર દિઘીના કિનારે એક દુર્ગા પૂજા સ્થળ પર પવિત્ર કુરાનના કથિત અપમાન અંગેના સમાચાર સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ બાંગ્લાદેશના અનેક ઠેકાણે સાંપ્રદાયિક હિંસા ભડકી ઉઠી હતી. ચાંદપુર, ચટગાંવ, ગાજીપુર, બંદરબન, ચપૈનવાબગંજ અને મૌલવીબજારમાં અનેક પૂજા સ્થળોમાં તોડફોડ કરવામાં આવી હતી.

(7:38 pm IST)