મુખ્ય સમાચાર
News of Wednesday, 16th September 2020

પાકિસ્તાને લખણ ઝળકાવ્યાઃ ૮ બોટ સાથે ૪૮ માછીમારોનું અપહરણ

કોરોના મહામારી વચ્ચે પોરબંદરની ૭ અને વેરાવળની એક બોટને બંધક બનાવી નાસી છુટયાઃ પરિવારજનોમાં ચિંતા

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર,  તા.,૧૬: પાકિસ્તાન દ્વારા આઠ બોટ સાથે સૌરાષ્ટ્રના પોરબંદર અને વેરાવળના ૪૮ માછીમારોનું અપહરણ કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે.

કોરોના મહામારી વચ્ચે માછીમારો માછીમારી કરી ને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે ત્યારે આજે પાકિસ્તાન મરીન સિકયુરિટી એજન્સી દ્વારા સૌરાષ્ટ્રની ૮ બોટ સાથે ૪૮ માછીમારો અપહરણ કરીને પાકિસ્તાનના કરાચીમાં લઈ જવામાં આવતા પરિવારજનોમાં ચિંતા પ્રસરી ગઇ છે.

પાકિસ્તાન મરીન સિકયુરિટી એ જે બોટના અપહરણ કર્યા છે તેમાં સાત બોટ પોરબંદરની અને એક બોટ વેરાવળની હોવાનું જાણવા મળ્યું છે.

પાકિસ્તાન દ્વારા વારંવાર ભારતીય જળસીમામાં ધુસીને માછીમારોના અપહરણ કરવામાં આવે છે જેની સામે માછીમારો અને પરિવારજનોમાં રોષ વ્યાપી ગયો છે.

પાકિસ્તાન મરીન સિકયુરીટી એજન્સીના નાપાક કૃત્ય સામે માછીમારો અને પરિવારજનોમાં ભારે રોષ વ્યાપી ગયો છે. માછીમારો પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે ઘરથી અનેક દિવસો સુધી દુર રહીને માછીમારી કરે છે અને પાકિસ્તાન આ માછીમારોના અપહરણ કરીને ત્યાંની જેલમાં અનેક મહિનાઓ સુધી બંધક બનાવી રાખે છે.

માછીમારોને પાકિસ્તાન જેલમાં પુરતો ખોરાક પણ આપવામાં આવતો નથી. તેમજ ત્રાસ આપવામાં આવે છે. વારંવાર પાકિસ્તાનના નાપાક કૃત્ય સામે ભારે રોષ વ્યાપ્યો છે.

(3:03 pm IST)