મુખ્ય સમાચાર
News of Wednesday, 16th September 2020

પેંગોંગમાં ૧૦૦-૨૦૦ રાઉન્ડ ગોળીબાર થયો'તો

મોસ્કોમાં વિદેશમંત્રીઓની મુલાકાત પૂર્વે

નવી દિલ્હી તા. ૧૬ : ભારત અને ચીન વચ્ચે લદ્દાખ ખાતેની એલએસી પર તણાવ વધતો જ જાય છે. હવે ખુલાસો થયો છે કે રશિયાના મોસ્કોમાં ૧૦ સપ્ટેમ્બરે ભારત અને ચીનના વિદેશ પ્રધાનોની બેઠક પહેલા પેંગોંગ સોના ઉત્તર કિનારા પાસે ફિંગર એરીયા પર બંને સેનાઓ વચ્ચે ફાયરીંગની ઘટના થઇ હતી. આ ફાયરીંગ ૭ સપ્ટેમ્બરે ચૂશુલ સબ સેકટરમાં થયેલ ફાયરીંગ કરતા પણ ભીષણ હતું. જે બાબતે બંને દેશોની સેનાઓ આધિકારીક રીતે બયાન બહાર પાડીને એક બીજા પર આક્ષેપ મુકી ચૂકી છે.

આ બાબતના જાણકાર એક સરકારી અધિકારી અનુસાર, જ્યારે ભારતીય સૈનિકો પેટ્રોલીંગ કરી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. તેમણે જણાવ્યું કે, જે જગ્યાએ ફિંગર ૩ અને ફિંગર ૪ મળે છે ત્યાં બંને પક્ષો દ્વારા ૧૦૦ થી ૨૦૦ રાઉન્ડ ફાયર કરાયા હતા. ઉલ્લેખનિય છે કે અત્યાર સુધીમાં ભારત કે ચીન કોઇના પણ દ્વારા આ બાબતે કોઇ ખુલાસો નથી થયો. જ્યારે ચૂશૂલમાં થયેલ ફાયરીંગની ઘટના પર બંને દેશોએ દેકારો મચાવ્યો હતો.

જણાવી દઇએ કે એલએસી પર તણાવ અત્યારે પહેલા કરતા ઘણો વધારે છે. બંને સેનાઓ વચ્ચે કમાન્ડર લેવલની બેઠક ટુંક સમયમાં થવાની છે. આ અધ્કિારી અનુસાર તણાવનું સ્તર હવે સપ્ટેમ્બરના પહેલા સપ્તાહમાં હતું એવું નથી રહ્યું. કેમકે ત્યારે પેંગોંગ સો ના ઉત્તર અને દક્ષિણ કિનારાઓ પર જોરદાર હિલચાલ હતી અને ત્યાર પછી આ વિસ્તારમાં ઘણીવાર ફાયરીંગની ઘટનાઓ બની ચૂકી છે.

(11:18 am IST)